Site icon Revoi.in

અડાલજમાં રિક્ષામાં બેસાડી પ્રવાસીઓનો માલ-સામાન ચોરતી ગેન્ગના 3 શખસો પકડાયા,

Social Share

ગાંધીનગરઃ શહેરના અડાલજ વિસ્તારમાં શટલિયા રિક્ષામાં મુસાફરોને બેસાડીને તેમના માલ-સામાનની અને દાગીનાની ચોરી કરતી ગેન્ગના ત્રણ શખસોને પોલીસે દબોચી લઈને 10 ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા સહિત 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગાંધીનગર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  ગાંધીનગર જિલ્લાના અડાલજ વિસ્તારમાં રિક્ષા ગેંગ તરખાટ મચાવતી હતી. છાશવારે મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમનો સામાન સેરવી લેવામાં આવતો હતો. મુસાફરોને રિક્ષામાંથી ઉતારી તેનો સામાન જોવા જાય તે પહેલા રિક્ષા હંકારી મુકતા હતા. ત્યારે એલસીબી પીઆઇ ડી.બી.વાળાની ટીમને રિક્ષા ગેંગના સાગરીતોની માહિતી મળતા સબ્બીરહુસૈન સુબ્રાતીભાઇ મનસુરી (રહે, જોરાવરનગરનો ટેકરો, દહેગામ, ગાંધીનગર), મિતેષ ઉર્ફે મયુર શૈલેષભાઇ નાડીયા (રહે, અમદાવાદ, મેમ્કો પાસે) અને ફીરોજ ઉર્ફે બેરીયા અબ્દુલ અજીજ શેખ (હાલ રહે, હિંમતનગર છાપરીયા. મૂળ, શિવનગર, દહેગામ)ને પકડી લીધા હતા. જ્યારે મુસ્કાન મોનિસ ઉર્ફે મોહસીન યામીન મનસુરી (વડોદરા) અને અમરમખાન આસીમખાન પઠાણ (કડી, મહેસાણા)ને પકડવાના બાકી છે.

રિક્ષામાંથી પ્રવાસીઓના માલ-સામાન ચોરતી ગેન્ગના સાગરિતોને પકડ્યા બાદ તેમણે અડાલજમાં બે, કલોલ તાલુકામાં એક અને અમદાવાદ સાબરમતી પોલીસ મથક વિસ્તારમાંથી એક ગુનો આચરવામાં આવ્યો હોવાનુ કબુલ્યુ હતુ. પોલીસે રિક્ષા ગેંગના 3 સાગરીતો પાસેથી 80 હજાર રોકડા અને 50 હજારની રિક્ષા મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓમાં સબ્બીર મનસુરીએ અગાઉ રાણીપ, નારણપુરા અને અમદાવાદના માંડલ પોલીસ મથક વિસ્તારમાં ગુના આચરી ચૂક્યો છે. જયારે ફીરોજ શેખ સોલા હાઇકોર્ટ, નારણપુરા, સાબરકાંઠાના પ્રાંતિજ,ગાંધીનગરના ચિલોડા, ઇન્ફોસિટી, દહેગામ, સેક્ટર 7 પોલીસ મથક વિસ્તારમાં ગુના કરી ચૂક્યો છે.