Site icon Revoi.in

નાના બાળકો ઉપરાંત યુવા વર્ગમાં પણ જંક ફૂડને કારણે કુપોષણ જોવા મળે છેઃ પરસોત્તમ રૂપાલા

Social Share

અમદાવાદઃ કચ્છ જિલ્લા મધ્યે શરૂ થયેલ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના પ્રારંભ કાર્યક્રમના ત્રિદિવસીય સમારોહના દ્વિતીય દિવસે ભુજ આવેલા કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોતમ રૂપાલાએ કચ્છી લેઉઆ પટેલની સેવાકીય ભાવનાને બિરદાવી હતી. આરોગ્ય ક્ષેત્રે ઉપલબ્ધ બનેલી આધુનિક તબીબી સારવાર સમસ્ત કચ્છ જિલ્લાના લોકોને આર્શીવાદરૂપ બનશે એવી લાગણી વ્યકત કરી હતી. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વર્તમાન સમયમાં કુપોષણ સામેના પડકાર અંગે ચિંતા વ્યકત કરી જણાવ્યું હતું કે, નાના બાળકો ઉપરાંત યુવા વર્ગમાં પણ આજે જંક ફૂડને કારણે કુપોષણ જોવા મળે છે.

સમાજના મોવડીઓ અને શ્રેષ્ઠી દાતાઓ કુપોષણ સામે જાગૃત બની કચ્છ જિલ્લાને કુપોષણ મુક્ત કરી સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બને. આરોગ્યને આપણે સૌ પ્રાથમિકતા આપીશું તો બીમારીથી દૂર રહીશું. રૂપાલાએ પોતાની તળપદી શૈલીમાં ઉપસ્થિત જન સમુદાયને સૂચન કરતાં જણાવ્યું હતું કે, આપણે આપણાં વડવાઓ જે પરંપરાને અનુસરતા હતા એ પરંપરાને ફરી અનુસરવું પડશે. સયુંકત કુટુંબ પ્રથા, સંતાનોમાં કૌટુંબિક લાગણી, ઘરમાં વપરાતું પાણી હોય કે ખેતીમાં પાણીનો વપરાશ હોય પાણીનો બગાડ ન કરી જળ સંરક્ષણ માટે જાગૃત બનવું પડશે, ઓર્ગેનિક, પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ તેમ જ સેવાકીય કાર્યો થકી તમામ સમાજોને મદદરૂપ બનવું જોઈએ.

આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે કોરોનાને સફળતાપૂર્વક લડત આપી. આપણાં દેશમાં કોરોના પ્રતિરોધક રસીની શોધ કરવામાં આવી અને એ રસી વિશ્વના 200 દેશોને ભારતે આપી આરોગ્ય ક્ષેત્રે સર્વોત્તમ કામગીરી કરવામાં આવી. કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત યોજના દ્વારા બિમારી દરમ્યાન 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરે છે. રૂપાલાએ નવનિર્મિત કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું.

તેમણે દાતાઓને વંદન કરી જણાવ્યું હતું કે, દાન આપવાની ભાવના આપણાં વડીલોએ શીખવી છે, કચ્છી લેઉઆ પટેલ સમાજે વિદેશમાં રહીને પણ વતનમાં આરોગ્ય, શિક્ષણ સહિતના અનેક સેવાકીય ક્ષેત્રે દાન આપીને એક નવી દિશા ચીંધી છે.