- રોડ પર રખડતા ઢોરને લીધે રાતના સમયે અકસ્માતો સર્જાતા હતા,
- આદિપુર અને અંજારના ગૌ સેવકોએ કર્યુ સેવાકીય કામ,
ભૂજઃ કચ્છમાં તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જેમાં હાઈવે પર પણ રખડતા ઢોર ટોળેવળીને બેઠેલા જોવા મળી રહ્યા છે. રખડતા ઢોર રાતના સમયે પણ હાઈવે પર બેઠેલા રહે છે તેના લીધે અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે. આથી આદિપુર અને અંજારના ગૌ સેવકો દ્વારા રખડતા ઢોરના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનું અભિયાન શરૂ કર્યું છે. રેડિયમ બેલ્ટને લીધે રાતના સમયે વાહનચાલકોને ઢોર બેઠેલાની જાણ થઈ જાય છે.
પૂર્વ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ગૌવંશ રસ્તા પર હોવાથી રાત્રે અંધારામાં નજર ન આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં રાહદારીઓ સાથે ગૌવંશ પણ ઘાયલ થાય છે. ત્યારે, આદિપુર અને અંજારના ગૌ સેવકો દ્વારા ગૌવંશ અને અબોલ પશુઓને કે જેઓ હાઇવે પર અથવા હાઇવે આપસાસની સોસાયટી વિસ્તારમાં હોય તેવા ગૌવંશને ગળાના ભાગે રેડીયમ બેલ્ટ બાંધવાનું અભિયાન શરૂ કરાયું હતું. જેમાં અંજારથી શરૂઆત કરવામાં આવી હતી. ગત રાત્રિના પણ આ સેવા કાર્ય યથાવત રહ્યું હતું.
કચ્છનો પૂર્વ વિસ્તાર ઉદ્યોગનું હબ હોવાથી પ્રતિ દિન હજારોની સંખ્યામાં વાહનો હાઇવે પરથી પસાર થતા હોય છે અને અસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આ રેડિયમ બેલ્ટ બાંધવાની ઝુંબેશ થકી આવનારા સમયમાં વાહન અકસ્માતની ઘટનાઓ ઓછી કરી શકાય તે માટે ગૌ સેવકો આ ભગીરથ સેવા કાર્યમાં જોડાયા છે. આ રેડિયમ બેલ્ટ બાંધવાની પ્રક્રિયામાં અન્ય કોઈને પણ અડચણ ઊભી ન થાય તેની તકેદારી રાખી મોડીરાત્રિ સુધી આ અભિયાન નિઃસ્વાર્થ ભાવે ગૌ સેવકોએ ચલાવી રહ્યા છે. આ સેવા કાર્ય હજુ પણ યથાવત રહેશે તેવું ગૌ સેવકોએ જણાવ્યું હતું. ત્યારે ગૌવંશ માટે સારું કાર્ય કરનાર ગૌ સેવકોને શહેર તથા આસપાસ વિસ્તારના લોકો બિરદાવ્યા હતા. આ સેવા કાર્યમાં શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુરના પ્રમુખ સચીનભાઈ ભાનુશાલી, ઉપપ્રમુખ મેહુલભાઈ માલી સહિત હિન્દુ યુવા સંગઠન અંજાર ગૌ રક્ષક દળના પ્રમુખ સાગરભાઇ ખાંડેકા, ઉપ પ્રમુખ નિલેશભાઈ સોની સહિત તમામ ભાઇઓ જોડાયા હતા.