અમદાવાદઃ શહેરમાં વધતા જતા અકસ્માત સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ લાયસન્સ વિના વાહનો હંકારતા ચાલકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગયા મહિને ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાના 489 વાહનચાલકો પાસેથી કુલ 10.86 લાખનો દંડ વસૂલાયો હતો. ઉપરાંત વીમો અને પીયુસી વગરનાં વાહનો પાસેથી પણ 38 લાખથી વધુ રકમનો દંડ વસૂલાયો હતો. નવેમ્બર અને ડિસેમ્બર 2021માં મોબાઇલ ફોન પર વાત કરવાના પણ ગુના નોંધાયા નથી. જ્યારે ગત 2020માં આ બે મહિનામાં 112 કેસ કરીને 40 હજાર દંડ વસૂલાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની વિવિધ ચેકપોસ્ટ પરથી આરટીઓ ઇન્સ્પેક્ટરોએ નવેમ્બર 2020માં 1477 કેસ કરી 33.72 લાખ માંડવાળ ફી વસૂલી હતી. આ પછી ડિસેમ્બરમાં 4299 કેસ કરી 61.69 લાખ દંડ વાહનચાલકો પાસે વસૂલ્યો હતો, જેની સામે નવેમ્બર 2021માં 2906 કેસ કરી 85.18 લાખ દંડ વસૂલ્યો છે. આમાં રિફ્લેક્ટર અને રેડિયમ પટ્ટીના 284 કેસનો સમાવેશ છે. જ્યારે ડિસેમ્બર 2021માં કુલ 3208 કેસ કરીને 83 લાખ દંડ વસૂલાયો હતો. ડિસેમ્બર 2020માં લાઇસન્સ, વીમો અને પીયુસી વગર વાહન ચલાવનારા લોકો સામે કાર્યવાહી કરીને કુલ 38 લાખથી વધુ રકમનો દંડ વસૂલાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરકારે વાહનમાં એચએસઆરપી ફરજિયાત કરી છે. આમ છતાં નિયમ મુજબ નંબર પ્લેટ નહીં લગાવીને વાહનમાલિકો ખુલ્લેઆમ ફરે છે. હાઈવે પર પણ જૂની નંબરપ્લેટ સાથેનાં વાહનો ચલાવે છે. આરટીઓ ઇન્સ્પેક્ટરોએ નંબર પ્લેટના નિયમને ઘોળીને પી જનારા 419 વાહનમાલિકો પાસેથી 2.12 લાખ રકમનો દંડ વસૂલ્યો હતો.