Site icon Revoi.in

અમદાવાદમાં કોરોના કાળમાં પણ 1003 લોકોએ દારૂની નવી પરમિટો લીધી, 723 પરમિટોને રિન્યુ કરાઈ

Social Share

અમદાવાદઃ કોરોનાના કાળમાં અનેક ઉદ્યોગ-ધંધા બંધ હતા. અનેક લોકો વર્ક ટુ હોમ એટલે કે ઘેર બેસીને ઓફિસનું કામકાજ કરવાની ફરજ પડી હતી. જેમાં ડ્રાય સ્ટેટ ગણાતા ગાંધીજીના ગુજરાતમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં વધારો થયો હતો. છેલ્લાં ચાર વર્ષમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યા બમણી થઈ છે.

2018થી જૂન-2021 સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી 3,108 નવી પરમિટ ઈસ્યુ થઈ હતી જ્યારે 5,701 પરમિટ રિન્યુ કરાઈ હતી, જેમાંથી વર્ષ 2020માં સૌથી વધુ 1600 એટલે કે બમણાથી વધુ લોકોએ સિવિલમાંથી નવી પરમિટ મેળવી અને રિન્યુ કરાવી હતી. ગયા વર્ષે કોરોનાને કારણે અઢી મહિના, આ વર્ષે 15 એપ્રિલથી મે સુધી પરમિટની કામગીરી બંધ હતી. જોકે આ વર્ષે જૂન સુધીમાં 723 લોકોએ નવી અને 1 હજારથી વધુ પરમિટ રિન્યુ કરાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ઘણા લોકોને તબીબી કારણોસર તબીબોની ભલામણને દારૂની પરમિટ આપવામાં આવે છે. દારૂની પરમિટ કઢાવી આપવાને નામે ઘણા એજન્ટો લોકો પાસેથી રૂ.40થી 50 હજાર પડાવે છે. સરકારી હોસ્પિટલમાં યુનિટ દીઠ અને વર્ષ પ્રમાણે પરમિટના અલગ અલગ ચાર્જ હોય છે, જે સરકારી નીતિ-નિયમો મુજબ હોય છે, પરંતુ આવા એજન્ટો પરમિટ કઢાવી આપવાને બહાને લોકો પાસેથી હજારો રૂપિયા પણ પડાવતા હોય છે.

ઉપરાંત દારૂની પરમિટ માટે રાજકિય વગ તેમજ ડોક્ટર સાથેની ઓળખાણ હોય તો પરમિટ જલ્દીથી મળતી હોવાનું પણ કહેવાય છે. જોકે સરકારે દારૂની પરમિટ આપવા માટે બોર્ડનું ગઠન કર્યું છે. જેમાં નિષ્ણાત તબીબો હોય છે. છતાં પણ પરમિટ લેવા માગતા લોકો ગમે તેમ કરીને પરમિટ મેળવી લેતા હોય છે.