અમદાવાદઃ શહેરમાં છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ વધ્યુ છે. વહેલી સવારે ગાઢ ધૂમ્મસ સર્જાતા વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. સાથે ગાઢ ધૂમ્મસ તેમજ કોરોનાને લીધે મુસાફરોમાં ઘટાડો થતા અમદાવાદ રપોર્ટ પર 11 જેટલી ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર સોમવારે આવતી જતી 11 જેટલી ફ્લાઈટો કેન્સલ કરી દેવામાં આવી હતી. જેમાં ઉત્તર ભારતમાં ધુમ્મસની સાથે કેટલીક ફ્લાઈટોમાં પેસેન્જરોની સંખ્યા ઓછી થતા એરલાઈન્સો ફ્લાઈટો કેન્સલ કરી રહી છે. જો કે કોઈ એક ફ્લાઈટમાં પેસેન્જરો ઓછા હોય તો તેમને એજ સેક્ટરની બીજી ફ્લાઈટમાં સીટ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી રહી છે. ફ્લાઈટ્સ કેન્સલ કરાતા ઘણા મુસાફરો અટવાઈ ગયા હતા. ખાનગી ઓપરેટરો દ્વારા ધૂમ્મસનું બહાનું કાઢવામાં આવી રહ્યું છે પણ હકિક્ત એ છે. કે, કોરોનાને કારણે પેસેન્જરોમાં ઘટાડો નોંધાયો છે. જરૂરી કામ ન હોય તો લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, દર શિયાળામાં ઉત્તરભારતના શહેરોમાં ધુમ્મસની સમસ્યાને લીધે ફ્લાઇટોના શિડ્યૂલ અવારનવાર ખોરવાતા હોય છે. જોકે અમદાવાદમાં ધૂમ્મસને લઈ ફ્લાઈટ ઉડાન ન કરી શકે તેવી સ્થિતિ નથી. અમદાવાદની કેન્સલ થયેલી ફ્લાઈટોમાં ગોફર્સ્ટની ચંડીગઢ – અમદાવાદ, દિલ્હી – અમદાવાદ, અમદાવાદ – મુંબઈ, અમદાવાદ – મુંબઈ, અમદાવાદ – દિલ્હી, ઈન્ડિગોની દિલ્હી – અમદાવાદ, દિલ્હી – અમદાવાદ, અમદાવાદ – દિલ્હી, અમદાવાદ – દિલ્હી તેમજ સ્પાઈસ જેટની વારાણસી – અમદાવાદ અને અમદાવાદ – વારાણસી ફ્લાઈટનો સમાવેશ થાય છે.