અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતીને લીધે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે જ ગગનચુંબી 145 મીટર ઊંચી ઈમારતોને પણ મંજુરી આપવામાં આવી રહી છે. અને આગામી વર્ષોમાં મુંબઈની જેમ 36થી 42 માળ સુધીની બહુમાળી ઈમારતો અમદાવાદમાં પણ જોવા મળશે. શહેરના ફાયરબ્રિગેડ પાસે ગગનચુંબી ઈમારતોમાં આગ જેવી કોઈ ઘટના બને તો ત્યાં સુધી પહોંચવા માટે પુરતા સાધનો જ નથી.
અમદાવાદ મ્યુનિ. બોર્ડ બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં આગની ઘટનામાં ફાયર બ્રિગેડની નિષ્ફળ કામગીરી સહિતના અનેક મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલે મ્યુનિ. બોર્ડમાં વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે કહ્યું હતું કે, મ્યુનિ. પાસે સૌથી ઉંચી સ્નોરકેલ 82 મીટર હાઇટની છે જ્યારે મ્યુનિ. તંત્ર 100થી 145 મીટર ઊંચાઇની બિલ્ડીંગને મંજૂરીઓ આપી રહ્યું છે. ત્યારે આટલી હાઇટ પર આગની ઘટના કઇ રીતે કંન્ટ્રોલ થશે, તે માટે અગોતરું આયોજન કરી નવી સ્નોરકેલ વસાવવી જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, શહેરના શાહીબાગની ઓર્કિડ ગ્રીનફિલ્ડ ખાતે માત્ર 7 માળેથી યુવતીને બચાવવામાં ફાયરબ્રિગેડ નિષ્ફળ રહ્યું, તંત્ર પહેલા તો સ્નોરકેલ સાથે પહોંચ્યું નહીં, સ્નોરકેલ પહોંચી તો તે ખૂલી જ નહીં. તે નિષ્ફળતાને કારણે યુવતીએ જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ 7 માળ સુધી પહોંચવામાં ફાયરબ્રિગેડને તકલીફ પડી રહી છે ત્યારે તમે 30, 33 અને 45 માળની બિલ્ડીંગને મંજૂરીઓ આપવામાં આવી રહી છે. ત્યારે મ્યુનિ. પાસે એક સ્નોરકેલ 82 મીટરની અને બે સ્નોરકેલ 54 મીટરની છે. જે આ 100 મીટર ઊંચાઇની બિલ્ડિંગ પર કઇ રીતે પહોંચી શકશે તેનો પણ વિચાર કરવો જોઇએ. શહેરમાં 1 લાખની વસતીએ એક ફાયર સ્ટેશન હોવું જોઇએ તેને બદલે 70 લાખની વસ્તીમાં માંડ 18 જેટલા ફાયર સ્ટેશન કાર્યરત છે. શહેરના સાબરમતી નદીમાં 50 લાખના ખર્ચે બનાવેલા ફ્રેન્ચવેલ પોલ્યુશનને કારણે બંધ કરવા પડ્યા છે. ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે, ફ્રેન્ચવેલમાં લાઇટબિલ વધારે આવતું હોવાથી બંધ કરાયું છે, પ્રદૂષણનો કોઇ પ્રશ્ન નથી. અધિકારીઓ દ્વારા પેપર કપ પ્રતિબંધનો રાતોરાત નિર્ણય લીધો પણ મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન દ્વારા તેના પર રોક લગાવવામાં આવી છે. શાહપુરના કોર્પોરેટર અકબર ભટ્ટીએ કહ્યું કે, તેમના વિસ્તારમાં પાણી, ગટર જેવા પ્રાથમિક પ્રશ્નો પરત્વે ધ્યાન અપાતું નથી. આ સમસ્યા માત્ર મારી નહિ પણ ભાજપના સાથી કોર્પોરેટરની પણ છે.