અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો કપરો કાળ પૂર્ણ થઈ ગયો છે. કોરોનાના ત્રીજા વેવની અટકળો થઈ રહી છે. ત્યારે લોકોએ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી બન્યું છે. પણ દિવાળીના તહેવારો અને ત્યારબાદ લોકોએ કોરોનાને ભૂલીને ઉત્સવ મનાવ્યો હતો. અને લોકોની ભીડ પણ જોવા મળી હતી. તેથી ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાળો મારી રહ્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 16 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે, જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં બહારગામથી આવતા લોકોને ટ્રેસિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવી રહી છે. 16 કેસમાં પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં વધુ કેસો નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારમાં આવતા પ્રહલાદનગર, ચાંદખેડા, બોપલ, પાલડી અને નવરંગપુરામાં કેસો નોંધાયા છે. 16 કેસમાંથી 11 અને 13 વર્ષનાં બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને એની સામે 23 લોકો સાજા થયા છે.
રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી જતાં તંત્રે પણ રાહત અનુભવી હતી. ત્યારે અમદાવાદમાં એક દિવસમાં નોંધાયેલા 16 પોઝિટિવ કેસ એક જ પરિવારના લોકોના છે. ઇસનપુરમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્ય, ચાંદખેડામાં એક જ પરિવારના બે વૃદ્ધ, બોપલમાં પતિ-પત્ની, પ્રહલાદનગરમાં એક જ પરિવારના ત્રણ સભ્યો, જ્યારે નરોડા, પાલડી, ચાંદખેડા, માણેકબાગ અને આંબાવાડીમાં એક-એક કોરોના પોઝિટિવ નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોના ફેલાતાં લોકોમાં ફરી ફફડાટ ઊભો થયો છે. અમદાવાદમાં આવેલા સાતેય ઝોનમાં અલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં અચાનક કોરોનાના કેસો વધતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ ગયું છે. અમદાવાદમાં બહારગામથી પરત આવતા લોકો પર નજર રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવા જણાવવામાં આવ્યું છે. દરેક કેસમાં ઓછામાં ઓછું 50 લોકોના કોન્ટેક ટ્રેસિંગ કરવા પણ સૂચના આપી છે. ઝોનમાં તમામ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને કોરોનાના કેસોને લઈ એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ચાર મહિનાથી કોરોનાના કેસો કાબૂમાં આવી ગયા હતા, જેથી સરકારે પણ તમામ પ્રકારની છૂટછાટ આપી હતી. દિવાળીના તહેવારોમાં પણ છૂટછાટ આપવામાં આવી હતી, જે આગામી દિવસોમાં ભારે પડી શકે છે, જેની શરૂઆત થઈ ચૂકી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધવાની શક્યતા હોવાનું જણાતાં અમદાવાદ મ્યુનિ. દ્વારા આગોતરા પગલારૂપે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી હતી, જેમાં સામાન્ય રીતે દિવસોમાં થતા ટેસ્ટિંગ કરતાં બમણા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે, જેમાં આ નવા કેસો સામે આવ્યા છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોની સંખ્યા માત્ર 2થી 5 વચ્ચે રહેતી હતી, જ્યારે કોરોનાના કેસો વધી ગયા હતા, એમાંથી નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ હોવાનું જાણવા મળ્યું હતું.(file photo)