અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. તેના લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છતાં રોગચાળો કાબુમાં આવતો નથી. જોકે, શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર રીતે ચાલુ ઓક્ટોમ્બર માસમાં છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસો અને ચિકનગુનિયાના 69 કેસો નોંધાયા છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરમાં ડેન્ગ્યુના કેસો ઘટયા છે. સપ્ટેમ્બર માસમાં 973 જેટલા કેસો ડેન્ગ્યુના નોંધાયા હતા. ચાલુ માસમાં 10 જ દિવસમાં 170 કેસો નોંધાયા છે જે જોતા ડેન્ગ્યુના કેસો હાલમાં ઘટ્યા હોય તેવું જણાય છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં 1લી ઓક્ટોમ્બરથી 9મી ઓક્ટોમ્બર સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 170, ચિકનગુનિયાના 69, સાદા મેલેરિયા 27 કેસો, ઝેરી મેલેરિયાના 5 કેસો નોંધાયા હતા. જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 41, ઝાડા ઉલ્ટીના 170, કમળાના 43 અને કોલેરાના 0 જેટલા કેસો નોંધાયા હતા. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓના સતત વધારો થઈ રહ્યો છે.
મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં મેલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. દરેક જગ્યાએ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ સફાઈના અભાવે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. ચાલુ ઓક્ટોમ્બર માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. કો કે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં દરેક વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. ભાજપના શાસકોએ પણ અધિકારીઓ પાસેથી આંકડા લેવાના બંધ કર્યા છે.