અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ ઘણો મોટો વધારો થયો છે. સાથે જ ગુનાનો ગ્રાફ પણ વધતો જાય છે. ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેરમાં દુષ્કર્મના 723 ગુના નોંધાયા છે. તો મહિલા અત્યાચારના 2109 ગુના નોંધાયા છે. જ્યારે હત્યાના 207 ગુના નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં વસતિ, વિસ્તારની સાથે હવે ગુનાખોરીનો ગ્રાફ પણ વધી રહ્યો છે. જેમાં ચિંતાની બાબત એ છે. કે, હત્યા અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગની કામગીરી પર જ સવાલ ઊઠી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકાર પાસે અમદાવાદ શહેરમાં છેલ્લાં બે વર્ષમાં નોંધાયેલા ગુનાઓ વિશે માહિતી માંગી હતી. આ માહિતીમાં ચોંકાવનારી બાબતનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ચોરી, લૂંટ, ધાડ, છેડતી, દુષ્કર્મ, હત્યા, મહિલા અત્યાચાર અને રાયોટિંગના અસંખ્ય ગુના નોંધાયા છે. અમદાવાદ શહેરની સાથે સાથે જિલ્લામાં પણ ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જિલ્લામાં પણ છેલ્લા બે વર્ષમાં હત્યાના 50, દુષ્કર્મના 152, મહિલા અત્યાચારના 100 અને છેડતીના 75 ગુનાઓ નોંધાયા છે.
ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં ચોરી, લૂંટ, ધાડ, છેડતી, દુષ્કર્મ, હત્યા, મહિલા અત્યાચાર અને રાયોટિંગના ગુનાની માહિતી જાહેર કરવામાં આવી છે. ગુના રોકવા સરકારે કરેલી કામગીરી મુજબ અમદાવાદ શહેરમાં 14,092 ગુનેગારોને પકડવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લામાં 1,690 ગુનેગારોને પોલીસે ઝડપ્યા હતા. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં 265 ગુનેગારો ફરાર છે તો જિલ્લામાં 78 ગુનેગારો ફરાર છે.