અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ઘણા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકશાહીના પર્વ ગણાતા ચૂંટણીમાં મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. ચૂંટણી પંચે આ વખતે 80 વર્ષથી વધુ વયના મતદારો પોતાના ઘેરબેઠા જ મતદાન કરી શકે તેનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં 80 વર્ષથી વધુ વયના 2261 મતદારોએ ઘરેથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન માટે દરખાસ્ત કરી છે. આ યાદી જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારી પાસે પહોંચી છે અને તેઓ ચકાસણી કર્યા બાદ મતદાન માટેની મંજૂરી અપાશે. મતદાન માટે ચાર સભ્યોની ટીમ નક્કી કરેલા રૂટ પર આવતા મતદારોના ઘરે જઈને સંપૂર્ણ ગુપ્તતા સાથે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવશે. આ સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડીંગ પણ કરાશે. ત્યારબાદ તે પોસ્ટલ બેલેટ સિલબંધ કવરમાં મૂકી દેવાશે. જે મતદારોને પોસ્ટલ બેલેટથી મતદાનની મંજૂરી આપવામાં આવશે તેની યાદી રાજકીય પક્ષોના ઉમેદવારોને પણ અપાશે, જેથી તેઓ મતદાન વખતે પોતાના પ્રતિનિધિની નિયુક્તિ કરી શકે. ચૂંટણી પંચ દ્વારા આ વખતે સૌ પ્રથમવાર 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન ઉપરાંત દિવ્યાંગ અને કોવિડ પ્રભાવિત મતદારો જો ઈચ્છે તો પોતાના ઘરે જ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુવિધા પુરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને 80 વર્ષ કરતા વધુ વયના મતદારોની યાદી તૈયાર કરીને ઘરે ઘરે જઈ તેમની માહિતી એકત્ર કરી ઘરેથી જ મતદાન કરવાની અરજીઓ સ્વીકારી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામુ બહાર પડાયાના પાંચ દિવસમાં ઘરેથી મતદાન કરવા માટે મતદારોએ દરખાસ્ત કરવાની હતી. જેથી આ મુદ્દત પૂર્ણ થયા બાદ અમદાવાદના 2261 જેટલા મતદારોએ ઘરેથી મતદાન કરવા માટે અરજી આપી હોવાનું જાણવા મળે છે. જે મતદારોએ ઘરેથી મતદાન માટે દરખાસ્ત કરી છે, તે હવે જે તે રિટર્નીંગ ઓફિસર પાસે પહોંચી ગઈ છે. જેથી હવે આ તમામ મતદારોની સ્ક્રુટિની કરવામાં આવશે અને ચકાસણી બાદ પોસ્ટલ બેલેટથી મતદાન માટે મંજૂરી આપવામાં આવશે. આ સિનિયર સિટીઝન, દિવ્યાંગ અથવા કોવિડથી પ્રભાવિત મતદારોની યાદી રાજકીય પક્ષોને પણ અપાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મતદાનના દિવસે રિટર્નીંગ ઓફિસર દ્વારા ચાર સભ્યોમાં ઓબ્જર્વર તથા પોલીસ સ્ટાફનો પણ સમાવેશ થશે. ત્યારબાદ જે તે વિધાનસભા વિસ્તારમાં આવા પોસ્ટલ બેલેટથી મત આપનારા મતદારોની સંખ્યાના આધારે રૂટ નક્કી કરાશે. ટીમ મતદારોના ઘરે પહોંચી પોસ્ટલ બેલેટથી મતદાન કરાવશે. ત્યારબાદ સીલબંધ કવરમાં તેમનો મત લઈને રૂટ પર આવતા અન્ય મતદારના ઘરે મતદાનની કાર્યવાહી પહોંચશે. આમ, અમદાવાદની સરેરાશ એક વિધાનસભા બેઠક પર 100થી 120 જેટલા મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે દરખાસ્ત મળી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.