Site icon Revoi.in

અમદાવાદમાં રૂ. 400 કરોડના રોડ ધોવાણ મામલે AMCના 23 અધિકારીઓ પાસેથી મોટો દંડ વસુલાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કરોડાના ખર્ચે ડામરના રોડ બનાવવામાં આવે છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રકટરની સાંઠગાંઠને લીધે રોડ બનાવવામાં પુરતો ડામર કે કપચી વાપરવામાં આવતી નથી. અને મહિનાઓમાં રોડ પર ઊંડા ખાડાઓ પડી જાય છે. જીણી કપચી ડામરથી અલગ પડી જાય છે. વર્ષ 2017માં શહેરમાં રૂ.400 કરોડનાં રોડ તુટવાના કૌભાંડ મામલે કુલ 23 અધિકારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ આજે તમામ અધિકારીઓને ફાઇનલ શો-કોઝ નોટિસ ફટકારી છે. 23 અધિકારીઓના 4થી 6 જેટલા ઇન્ક્રીમેન્ટ જેટલી રકમ રોકી તેટલો દંડ કરવામાં આવશે. વધુમાં વધુ 3 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે અગાઉ એન્જિનિયરિંગ ખાતાના 87 જેટલા ઇજનેરને નાની મોટી સજા કરવામાં આવી હતી. હવે મ્યુનિ. કમિશનર દ્વારા 23 અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વર્ષ 2017માં નવા બનાવેલા રોડ તૂટી ગયા હતા. ડામર બારોબાર વેચી દેવાતો હોવાના પણ આક્ષેપો થયા હતા. કોન્ટ્રાકટરો અને મ્યુનિ,ના કેટલાક અધિકારીઓની મીલીભગતથી કૌભાંડ ચાલતુ હતું. રોડ કૌભાંડમાં ત્રણ એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત ચાર ડેપ્યુટી સિટી ઈજનેર, સાત આસીસ્ટન્ટ સિટી ઈજનેર ઉપરાંત નવ આસીસ્ટન્ટ સિટી ઈજનેર મળી કુલ 23 અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી હતી. આ પ્રકરણમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ હતી જે પુરી થઈ ગઈ છે. આ તપાસ પૂર્ણ થયા બાદ તેમનાં સામે કોઈ પગલાં લેવાયા ન હતાં. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધિશો બદલાતાં ફરી આ કૌભાંડ મામલે ચર્ચા બાદ ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટિમાં આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 23 અધિકારીઓને દંડની સજા સાથેની ફાઇનલ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુનિના કોંગ્રેસ પક્ષના નેતા સેજાદ ખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે અધિકારીઓ સામે માત્ર ઇન્ક્રિમેન્ટ રોકાઈ અને દંડની કાર્યવાહી યોગ્ય નથી આ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. સસ્પેન્ડ અને ફરજ મોકુફી જેવા કડક પગલાં લઇ અને દાખલો બેસાડવો જોઈએ કે આવા ભ્રષ્ટ અને ગેરરીતિ કરતાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  વર્ષ-2017ના વર્ષમાં જુલાઈ- ઓગસ્ટ મહિનામાં શહેરમાં ભારે વરસાદ આવતા સાત ઝોનના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને 400 કરોડના બનાવવામાં આવેલા રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા રોડ તુટવા મામલે જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય એમની સામે કડક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો હતા. હાઈકોર્ટના આદેશ બાદ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી. વિજિલન્સ તપાસના અંતે જે તે સમયે ફરજ બજાવતાં ત્રણ એડીશનલ સિટી ઈજનેર સહિત ઈજનેર વિભાગ અને રોડ પ્રોજેકટ વિભાગના કુલ મળીને 23 અધિકારીઓને તેમની બેદરકારી બદલ ચાર્જશીટ આપવામાં આવી હતી. અધિકારીઓને ચાર્જ સીટ અપાતા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ પણ સોંપાઈ ગયો હતો.