અમદાવાદઃ શહેરમાં ઘણા સફાઈ કામદારો સતત ગેરહાજર રહેતા હોય છે. કેટલાક સફાઈ કામદારો નોકરી પરથી ગાયબ થઈ જતાં હોય છે. આ અંગે મ્યુનિ. કમિશનરને ફરિયાદો મળતા તેમને સોલિડ વેસ્ટ વિભાગને કડક સુચના આપીને આવી લાલીયાવાડી ન ચલાવી લેવા આદેશ આપ્યો હતો. જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 53 જેટલા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી નોકરી ઉપર લાંબા સમયથી ગેરહાજર રહેતાતેમજ ચાલુ નોકરી દરમિયાન ફરજ પરથી કાયમ ગાબચી મારનારા સફાઈ કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં ઘણાબધા સફાઈ કામદારો નોકરી ઉપર સતત ગેરહાજર રહેતા હોવાનું જોવા મળ્યુ હતુ. લાંબા સમયથી નોકરી ઉપર હાજર ન રહેવાના કારણોમાં પ્રેમ પ્રકરણ, પોલીસ કેસના કારણે ફરાર તથા વ્યાજે પૈસા લીધા બાદ જતા રહેવાના કિસ્સાઓ હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સતત ગેરહાજર રહેતા હતા, જેમની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં છેલ્લા એક વર્ષથી કુલ 25 કર્મચારીઓ ગેરહાજર રહેતા હતા. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેઓને અલગ-અલગ નોટિસ આપવામાં આવતી હતી અને ખુલાસા માંગવામાં આવતા હતા તેમ છતાં પણ કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નહોતો. જેથી તમામ 25 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓ ચાલુ નોકરી દરમિયાન ઘરે જતા રહેતા હતા. થોડા દિવસ નોકરી ઉપર ગેરહાજર રહેતા હતા અને ત્યારબાદ ફરી નોકરી ઉપર હાજર રહેતા હતા. આ રીતે નોકરીમાં અવારનવાર ગેરહાજરી હોવાને લઈને પણ 28 જેટલા કર્મચારીઓના ઇજાફા પણ રોકવામાં આવ્યા છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારો લાંબા સમયથી ગેરહાજર રહેતા હતા. તે અંગે તમામ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે કુલ 53 જેટલા કર્મચારીઓ સામે પગલાં ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે. હજી પણ 36 જેટલા કર્મચારીઓની તપાસ ચાલુ છે અને તેઓને છેલ્લી શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ખાતાકીય તપાસ બાદ જો તેઓ કસૂરવાર જણાશે તો તેમની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.