Site icon Revoi.in

અમદાવાદમાં  50 ટકાથી વધુ સ્ટાફ બોલાવતા 29 ખાનગી એકમોને સીલ કરાયા

Social Share

અમદાવાદઃ  શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફિસોમાં 50 ટકા જેટલા જ સ્ટાફને કામ કરવા માટે બોલાવવા સૂચના આપવામાં આવી હતી. છતાં શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાયા હતા, જેને લઈ દરરોજ AMCના ટેક્સ અને AMTSની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનની ટીમે અલગ અલગ વિસ્તારમાં 237 જેટલી ઓફિસોમાં કોરોના ગાઈડલાઈન્સની તપાસ કરતાં સોલા વિસ્તારમાં એમ્પાયર બિઝનેસ હબમાં માઈન્ડ મેપ કન્સલ્ટિંગ ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સીલ કરી દેવામાં આવી હતી.

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાથી મ્યુનિ.કોર્પોરેશને ખાનગી તથા સરકારી ઓફિસો અને એકમોમાં કર્મચારીઓને રોટેશન મુજબ 50 ટકા જ કામ બોલાવવાની સુચના આપી હતી.  છેલ્લા 15 દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ ખાનગી ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. આ ચેકિંગ દરમિયાન 2223 ખાનગી ઓફિસો અને એસ્ટાબ્લિશમેન્ટમાં 50 ટકા સ્ટાફ અંગે ચેકિંગ કર્યું હતું, જેમાં પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણિ હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં સહિત 29 જેટલા એકમોમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા.

મણિનગરમાં હ્યુન્ડાઈ શો રૂમ, સાયન્સ સિટી રોડ પર ઈગ્નીયોલ પ્રોજેક્ટ લી., રતનપોળમાં જે.એમ.મકવાણા જેવા એકમને 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સીલ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિ.ના ટેક્સ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા અત્યાર સુધીમાં 1986 જેટલી ઓફિસોમાં ચેકિંગ કરવામા આવ્યું હતું જેમાં વધુ સ્ટાફ જણાતાં 28 એકમો સીલ કરવામા આવ્યા છે.  પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણિ હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા.