અમદાવાદમાં માસ્ક વિના એક દિવસમાં 3275 લોકો પકડાયા, રૂ. 32.75 લાખનો દંડ વસુલાયો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સામાજીક અંતર રાખવાનું અને માસ્ક પહેરવાનું લોકો ટાળી રહ્યાં હોવાનું લાગી રહ્યું છે. જેથી આવા લોકોને પકડી લેવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જ માસ્ક વિના ફરતા 3275 લોકોને એક જ દિવસમાં ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમજ તેમની પાસેથી રૂ. 32.70 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના કેસ વધતા માસ્ક વિના ફરતા લોકોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અભ્યાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી રૂ. 150 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોના કાળમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી પોલીસે 27 કરોડથી વધુનો દંડ વસુલ્યો છે. અમદાવાદ પોલીસે ડીજીપીના આદેશ પહેલાના ત્રણ દિવસમાં 2027 લોકો પાસેથી 20.27 લાખનો દંડ વસૂલ્યો છે.
અમદાવાદના માત્ર પૂર્વ વિસ્તારમાંથી જ પોલીસે અત્યાર સુધીમાં 1.63 લાખ લોકો પાસેથી 8.98 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જ્યારે 20 હજારથી વધુ લોકોની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ પણ કરી છે. શહેરના ઝોન-4માં માસ્ક નહીં પહેરવાના 62 હજાર 767, ઝોન5માં 42 હજાર 474 અને ઝોન 6માં 58 હજાર 288 કેસ નોંધવામાં આવ્યાં છે. અમદાવાદમાં ઝોન 5માં માસ્કના દંડ તથા જાહેરનામા ભંગના સૌથી ઓછા કેસ નોંધાયા છે.