અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં માસ્ક જીવનનો એક ભાગ બની ચુક્યું છે. બીજી તરફ માસ્ક નહીં પહેરનારા લોકોને ઝડપીને તેમની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં એક વર્ષના સમયગાળા દરમિયાન માસ્ક વિના 4.84 લાખ લોકોને પકડીને તેમની પાસેથી 35 કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાને કારણે લોકડાઉન આપવામાં આવ્યું હતું. લોકડાઉન દરિયાન પોલીસે કરેલી કામગીરીની ગુજરાત સરકારે પણ નોંધ લીધી હતી. બીજી તરફ પોલીસે માસ્ક વગર ફરતા અને લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. અમદાવાદમાં એક વર્ષમાં 4.84 લાખ લોકો માસ્ક પહેર્યા વગર પકડાયા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 35.50 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.
કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન અને ત્યારબાદ આજ દિન સુધી ચાલી રહેલા નાઈટ કર્ફ્યૂના ભંગ બદલ અનેક અમદાવાદીઓ દંડાયા છે. અમદાવાદ પોલીસે આજ સુધીમાં 45,863 ગુના નોંધી 55,076 લોકોની ધરપકડ કરી છે. હાલ પણ અમદાવાદમાં પોલીસ દ્વારા માસ્ક સહિતના નિયમોનું પ્રજા પાસે પાલન કરાવવામાં આવે છે. તેમજ પોલીસ દ્વારા દરેક વિસ્તારોમાં શ્રમજીવીઓને અને ભીક્ષુકોને ફ્રીમાં માસ્કનું વિતરણ કરાયું હતું.
લોક ડાઉનમાં તેમજ કરફયુ દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળતા લોકોના 75,492 વાહનો શહેર પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા. તે વાહનો છોડવા માટે તેના માલિકો પાસેથી પોલીસે રૂ.29.73 કરોડનો દંડ વસૂલ કર્યો હતો.
કોરોના કાળમાં પોલીસ કર્મચારીઓ પણ સંક્રમિત થયાં હતા. અમદાવાદમાં એક વર્ષના સમયગાળામાં 1543 પોલીસ અધિકારી- કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા. જે પૈકી 1524 સાજા થઇ ગયા છે. જ્યારે 16 પોલીસ કર્મચારી કોરોના સામે જંગ હાર્યાં હતા. તેમજ હાલમાં 3 પોલીસ કર્મચારી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.