અમદાવાદમાં સિનિયર સિટિઝનોને વિશ્વાસમાં લઈ ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતા 4 શખસો પકડાયા
અમદાવાદ: શહેરમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરીને લૂંટી લેતી આંતરરાજ્ય ગેન્ગના ચાર શખસોને શહેરના ખોખરા પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા શખસો સિનિયર સિટિઝનોને વિશ્વાસમાં લઈને એટીએમ કાર્ડની અદલા બદલી કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. આરોપીઓએ દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક ગુનાને અંજામ આપ્યો હતો.
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સિનિયર સિટિઝનનોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી ટોળકીને શહેરની ખોખરા પોલીસે પકડી પાડી છે. પોલીસે સન્ની સાંસી, સોનુ સાંસી, મનીષ સાંસી અને કમલ સીંગ કુશવાહ નામના ચાર આરોપી ઓની ધરપકડ કરી છે. અને આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના 52 એ ટી એમ કાર્ડ, પૈસા સ્વાઇપ કરવાના 2 મશીન, 5 મોબાઈલ સહિત રૂપિયા 33 હજાર રોકડા કબ્જે કર્યા છે. આ શખસોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, આરોપીઓ કોઈપણ એટીએમ સેન્ટરની બહાર વોચ રાખીને બેસતા હતા અને સિનિયર સિટીઝન જ્યારે પૈસા ઉપાડવા માટે આવે ત્યારે તેને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈને તેનું એટીએમ કાર્ડ બદલી દેતા હતા અને પીન નંબર મેળવી લેતા હતા. બાદમાં આ એટીએમ કાર્ડ નો ઉપયોગ કરી કેટલાક રૂપિયા પોતે ઉપાડી લેતા અને બીજા રૂપિયા સ્પાઇપ મશીન દ્વારા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હતા.
પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી આ ગેંગે શહેરના અનેક વિસ્તારોમાં અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો. છેલ્લા દોઢથી બે મહિનામાં આરોપીઓએ 21 જેટલા ગુનાને અંજામ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ ખોખરા વિસ્તારમાં એક સિનિયર સિટીઝન પાસેથી કાર્ડ ચેન્જ કરીને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ અગિયાર હજાર ઉપાડી લીધા હતા. જે અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે લગભગ 90 થી વધારે સીસીટીવી તપાસીને આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ મૂળ હરિયાણાના રહેવાસી છે. જો કે ગુનો આચરવા માટે તેઓ ટ્રેન કે ફ્લાયટ મારફતે જે તે શહેરમાં રહેતા હતા. અને હોટલ કે ભાડે મકાનમાં રહેતા હતા. જો કે જ્યારે કોઈ ગુનાને અંજામ આપવા જાય ત્યારે ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હતા.