અમદાવાદ: શહેરમાં ખાનગી અને સરકારી શાળાઓમાં ફાયરના નિયમાનુંસારના ઉપકરણો લાગેલા હોવા જોઈએ. કોરોના કાળ બાદ હાલ બાલમંદિરથી લઈને તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય ઓફલાઈન ચાલુ થઈ ગયું છે. ત્યારે બાળકોની સલામતી માટે ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.થોડા દિસ પહેલા જ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 15 શાળાઓ પાસે ફાયર NOC નહિ હોવાને લીધે સીલ માર્યું હતું છતાં શાળાના સંચાલકો સુધર્યા નથી. શહેરમાં હજુ પણ 41 શાળાઓ એવી છે, જેની પાસે ફાયર એનઓસી નથી. મ્યુનિ.કોર્પોરેશન શાળાઓ સામે કાર્યવાહી કરી શકે છે. ઉપરાંત ફાયર NOC નહિ લેનારી શાળાઓનું લિસ્ટ શિક્ષણાધિકારીએ તૈયાર કર્યું છે. જેમની સામે શુ કાર્યવાહી કરવી તેનું માર્ગદર્શન સરકાર પાસે માંગવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં હજી પણ 229 કરતા વધુ સ્કૂલોમાં ફાયર એન.ઓ.સી નથી તેવું હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે થયેલી રીટની સુનાવણીમાં સામે આવ્યું હતું. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં હજી પણ 41 જેટલી શાળાઓએ ફાયર એન.ઓ.સી મેળવવાની બાકી છે. શહેરના ઈન્ચાર્જ ડી.ઈ.ઓ હિતેન્દ્ર સિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદની 41 જેટલી શાળાઓમાં હજી ફાયર એન.ઓ.સી નથી. આ તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. સાથે જ આ યાદી સરકારને મોકલવામાં આવી છે અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવશે તે મુજબ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે શહેરની 15 શાળાઓને સીલ મારી દીધા હતા. અને હજુ પણ કાર્યવાહી ફાયર વિભાગે ચાલુ રાખી છે. તેવામાં DEOએ યાદીમાં 41 શાળાઓનાં નામ સામે આવ્યા છે. આવી શાળાઓ વિધાર્થીના જીવ સાથે ચેડાં કરી રહી છે. જો આગામી દિવસોમાં આ શાળાઓ પણ ફાયર NOC નહિ મેળવે તો સીલ થયેલી શાળાઓનો આંકડો વધશે.