અમદાવાદઃ શહેરના સાબરમતિના ગાંધીજીના આશ્રમને ડેવલોપ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજુબાજુના વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આશ્રમની આસપાસના દબાણો પણ દુર કરવામાં આવ્યા છે. જેમાં જુના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા તરીકે ઓળખાતા વિસ્તારમાં 47 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની આગવી ઓળખ સમા ગાંધીઆશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેકટ અન્વયે રામાપીર ટેકરા ખાતેની ઝુંપડપટ્ટી ખસેડવાની કાર્યવાહીના ભાગરૂપે મ્યુનિ.એ સેક્ટર-3માં 47 જેટલાં મકાનો તોડી પાડ્યા હતા. પશ્ચિમ ઝોન એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં એક અધિકારીના કહેવા મુજબ શહેરના જૂના વાડજ રામાપીર ટેકરા ખાતે મ્યુનિ.ની જમીન ઉપર કાચા પાકા મકાનો બનાવી દીધા બાદ રહિશો હટવા તૈયાર નહોતા, તેને લઇ હાઇકોર્ટે પણ દિશાનિર્દેશ જારી કર્યા બાદ પોલીસ બંદોબસ્ત મેળવીને સેક્ટર-૩માં તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જુના વાડજમાં રામાપીર ટેકરા ખાતે એટલા ગીચ મકાનો બનાવી દેવાયા છે કે, જેસીબી અંદર જઇ શકે તેમ નથી. તેથી મજૂરોની મદદ લઈને મકાનો તોડવાની કામગીરી કરવી પડી હતી. સેક્ટર-૩માં 47 મકાનો તોડવામાં આવ્યા હતા અને 70થી વધુ મકાનો રહિશોએ સ્વૈચ્છિક રીતે ખાલી કરી આપ્યા હતા. આ ખાલી થયેલાં મકાનો પણ તોડવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં રામાપીર ટેકરા વિસ્તારમાં સેક્ટર-5 ખાતે 283 જેટલાં બાંધકામ તોડી પાડીને મ્યુનિ.ની 35 હજાર ચોરસ મિટર જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જમીનની બજાર કિંમત 350 કરોડ થવા જાય છે. પશ્ચિમ ઝોન એસ્ટેટ ખાતાએ જી-20 સમિટને અનુલક્ષી જાહેર માર્ગો અને ફૂટપાથો ઉપરથી તમામ પ્રકારનાં દબાણો દૂર કરવાની ઝુંબેશ આરંભી છે.