Site icon Revoi.in

અમદાવાદમાં ફાયર NOC ન હોય તેવી હોસ્પિટલો સહિત 52 એકમોને સીલ કરાયા

Social Share

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો વધુ સક્રિય બન્યા છે. અને શહેરના વિવિધ કોમર્શિયલ બલ્ડિંગો, હોસ્પિટલો સહિતના જુદા જુદા એકમોમાં બીયુ પરમિશન, ફાયર એનઓસી વગેરેની તપાસ હાથ ધરી છે. મ્યુનિ.કમિશનરના આદેશ બાદ એએમસીના એસ્ટેટ વિભાગે એસઓપી જારી કરી હતી. શહેરના સાત ઝોનમાં મ્યુનિ.ની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન શહેરમાં 244 એકમોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ફાયર એનઓસી કે બીયુ પરમિશન ન હોય એવા 52 એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના અગ્નિંકાંડ બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન એલર્ટ બન્યું છે. અને રાજકોટ જેવી ઘટના ન બને તે માટે જ્યાં વધુ લોકો એકઠા થતાં હોય તેવા સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિ. કમિશનરની સુચના બાદ એસ્ટેટ વિભાગ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે. અને શહેરના સાત ઝોનમાં કોમર્શિયલ બિલ્ડિંગોને ફાયર એનઓસી છે. કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. સૌથી વધુ તપાસ હોસ્પિટલોમાં કરવામાં આવી હતી. કેટલીક હોસ્પિટલો પાસે ફાયર એનઓસી હતી જ નહીં તો કેટલીક હોસ્પિટલોએ એનઓસી રિન્યુ કરાવી ન હતી. જ્યારે અન્ય કેટલાક એકમોમાં એક્સપાયરી ડેટના ફાયર એક્સ્ટિંગ્યુશર હતા. 25 હોસ્પિટલ, 11 ટ્યૂશન ક્લાસ, એક મોટી કોમર્શિયલ બિલ્ડિંગ, 2 પાર્ટી પ્લોટ, 2 ગેસ્ટ હાઉસ સહિત 244 મિલકતોમાં તપાસ કરી 52 મિલકત સીલ કરી દેવાઈ હતી. મ્યુનિ.ની 7 ટીમોએ ફાયરના સાધનોની સ્થિતિ, આગ જેવી ઘટના બને તો બચાવ માટે યોગ્ય વ્યવસ્થા છે કે નહીં, ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન છે કે નહીં અને બીયુ પરમિશન મુજબ બાંધકામ કરવામાં આવ્યું હતું કે નહીં જેવી બાબતોની ચકાસણી કરી હતી. તેમજ શહેરના ​​​​​​​બોપલ-શીલજમાં આવેલા 5 ગેમ ઝોનના 13 માલિકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.