Site icon Revoi.in

અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના 7 કેસ આવ્યા સામે

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીનો સામનો કરતા ગુજરાતમાં બ્લેક ફંગસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદમાં વ્હાઈટ ફંગસના સાત કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગુજરાતમાં આ બિમારીઓની સારવાર માટે જરૂરી ઈંજેક્શનની અછત થઈ ગઇ છે દરમિયાન બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના વધતાં કેસના કારણે ટેન્શન વધ્યું છે. સમગ્ર દેશમાં બ્લેક ફંગસના કેસના મામલે ગુજરાત બીજા ક્રમે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનું સંક્રમણ હવે ધીમે-ધીમે ઘટી રહ્યું છે ત્યારે દેશમાં મ્યુક્રમાઈક્રોસિસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને પોતાની રીતે મહામારી જાહેર કરવાની સૂચના આપી છે. ગુજરાતમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 1200થી વધારે કેસ નોંધાયાં છે. ત્યારે હવે વ્હાઈટ ફંગસ નામના રોગચાળાએ માથુ ઉચક્યું છે.

અમદાવાદની સોલા સિવિલમાં વ્હાઇટ ફંગસના 2 કેસ, સિવિલમાં વ્હાઇટ ફંગસના 4 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત એક ખાનગી હોસ્પિટલમાં પણ એક કેસ સામે આવ્યો હોવાનું જાણવા મળે છે. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

દેશમાં આ બીમારીના અત્યાર સુધીમાં 7 હજારથી વધારે કેસ નોંધાયાં છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં  અને તે પછી ગુજરાતમાં કેસ સામે આવ્યાં છે. દેશમાં 200 લોકોએ આ મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. તબીબીના મતે, કોરોના પીડિતોને સારવારમાં વધુ પડતાં સ્ટીરોઇડના ઉપયોગના કારણે બ્લેક ફંગસ થઈ શકે છે. તેમજ ગંદુ અને ભીનું માસ્ક પહેરવાથી આ બીમારી થવાનો ભય રહે છે. જેથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પણ આ બીમારીને પગલે દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે.