અમદાવાદઃ શહેરમાં મેટ્રોનું કામ વર્ષ 2016થી ચાલી રહ્યુ છે.અત્યાર સુધીમાં મેટ્રોનું 86.64 ટકા કામ પૂર્ણ થયું છે. મેટ્રો માટે જમીન ઉપલબ્ધી પાછળ 81.69 કરોડ ચૂકવવામાં આવ્યા છે. મેટ્રોમાં ફેઝ-1 અંતર્ગત વસ્ત્રાલથી થલતેજ ગામનો 20.91 કિ.મી. અને વાસણાના એપીએમસીથી મોટેરા 19.12 કિ.મી.ના વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે ફેઝ-2માં મોટેરાથી ગાંધીનગર સુધીના વિસ્તારને આવરી લેવાયો છે. હવે વિધાનસભાની ચૂંટણી પહેલા વસ્ત્રાલથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સુધીના રૂટ્સ પર મેટ્રો ટ્રેન દોડતી કરવાનું આયોજન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કામ 2016માં શરૂ થયું ત્યારે ગોકળગાયની ગતિએ ચાલતુ હતું. આ પછી પ્રોજેક્ટ વેગવંતો બને તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરને દિલ્હીથી સૂચનાઓ મળવા લાગી હતી. જેના લીધે 2018માં પ્રોજેક્ટની કામગીરીમાં ઝડપ જોવા મળી હતી. જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોના કહેવા મુજબ જમીન સંપાદનની જટિલ પ્રક્રિયાના લીધે કલેકટર કચેરીના સ્ટાફ માટે કેટલાક પડકારો હતાં. જેમાં મેટ્રો માટે જમીન સંપાદન માટે કુલ 2.92 હેકટર જમીન સંપાદન કરવાની હતી. જેમાંથી 2.53 હેકટર જમીન સંપાદન થઇ છે. જ્યારે હાલ 0.39 હેકટર જમીન સંપાદન કરવાની બાકી છે. જેના માટે કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 81.69 કરોડ ચૂકવાઇ ગયા છે તેમજ 35.57 કરોડ જમીન સંપાદનના ચૂકવવાના બાકી છે. જેની ચૂકવણી આગામી માર્ચ,2022માં થશે. જ્યારે જમીનનું પઝેશન આગામી 31મી જુલાઇ,2022 સુધીમાં મળશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મેટ્રોના રૂટ્સ પર અદ્યતન સુવિધાથી સજ્જ એવા કુલ 32 રેલ્વે સ્ટેશન હશે. આમાં 28 એલિવેટર અને 4 અન્ડગ્રાઉન્ડ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનમાં એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીઆશ્રમ, સ્ટેડિયમ, જુની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલ્વે સ્ટેશન, સાબરમતી, મોટેરા સ્ટેડિયમ, વસ્ત્રાલ, નિશંત પાર્ક, રબારી કોલોની, અમરાઇવાડી, એપરલપાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલ્વે સ્ટેશન, શાહપુર, સ્ટેડિયમ, કોમર્સ છ રોડ, ગુજરાત યુનિવર્સિટી, ગુરૂકુળ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ રેલ્વે સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટની શરૂઆત થઇ ત્યારે કુલ ખર્ચનો 10,773 કરોડનો અંદાજ મુકાયો હતો. જેની સામે 12,787ના ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચમાં પણ સામાન્ય વધારો થવાની શક્યતા છે. હજી જમીન સંપાદનની કામગીરી પૂરી થઇ નહીં હોવાથી જિલ્લા કલેકટર સહિત સરકારની અન્ય એજન્સી કામે લાગી છે. મેટ્રો ટ્રેનના કામમાં ફેઝ-1માં અમદાવાદના વિસ્તારો અને ફેઝ-2માં ગાંધીનગરના વિસ્તારો આવરી લેવાયા છે. ફેઝ-2માં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર 22.84 કિ.મી.નો વિસ્તાર અને જીએનએલયુથી ગિફ્ટ સીટીમાં 5.42 કિમીના વિસ્તારનો સમાવેશ થાય છે. આમાં તમામ મેટ્રો ટ્રેનના 22 સ્ટેશનનો એલિવેટેડ હશે.