Site icon Revoi.in

અમદાવાદમાં EV બેટરી ઘરમાં ચાર્જિંગ માટે મુકતા ઘડાકા સાથે લાગી આગ, ઘરવખરી બળીને ખાક

Social Share

અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સિદ્ધશીલા ફ્લેટ્સના એક મકાનમાં ઈલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જમાં મુકી હતી. તે દરમિયાન ધડાકા સાથે બેટરી ફાટતાં આગ લાગી હતી, અને જોતજોતામાં આખા ઘરમાં આગ ફેલાતા ઘરના ત્રણ સભ્યો બેડરૂમની બારીની છત પર બેસી ગયા હતા. અને આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરના જવાનોએ ફાયટરો સાથે દોડી જઈને ત્રણ સભ્યોનું રેસ્ક્યુ કરીને આગને કાબુમાં લીધી હતી.

શહેરના વાસણા બેરેજ રોડ ઉપર એકતા એપાર્ટમેન્ટ નજીક આવેલા સિદ્ધશીલા ફ્લેટના ત્રીજા માળે આવેલા મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘરના મુખ્ય ડ્રોઈંગ રૂમમાં ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી. જેમાં શોર્ટ સર્કિટ થતા ધડાકા સાથે આગ લાગી હતી. જેના પગલે આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી ઘરમાં રહેલા ત્રણ લોકો આગથી બચવા માટે બેડરૂમમાં આવેલી બારીના છત ઉપર બેસી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવામાં આવી હતી. ત્રણેય વ્યક્તિને સીડી વડે ફાયર બ્રિગેડની ટીમે સહી સલામત નીચે ઉતાર્યા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે વાસણા બેરેજ રોડ ઉપર આવેલા સિદ્ધશીલા ફ્લેટમાં ત્રીજા માળે આગ લાગી છે અને લોકો ફસાયા છે. જમાલપુર ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થયો હતો. ટીમ ઘટના સ્થળે પહોંચી ફ્લેટ્સના ત્રીજા માળે બારીની જગ્યામાં છજા પર બે મહિલાને એક યુવક બેઠેલા હતા. તેમનું રેસ્ક્યુ કરાયું હતું. અને મકાનમાં લાગેલી આગને કાબુમાં લધી હતી. આગ લાગવાનું કારણ એવું જાણવા મળ્યું છે કે, ઇલેક્ટ્રિક વ્હિકલ બાઇકની બેટરી ટીવી પાસે આવેલા ચાર્જિંગ પોઇન્ટમાં ચાર્જિંગ માટે મોડી રાત્રે મૂકી હતી. જેમાં ચાર્જિંગમાં ધડાકા થતા આગ લાગી હતી. આગ સમગ્ર બેડરૂમમાં ફેલાઈ ગઈ હતી અને ટીવી ફર્નિચર સહિતનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો.