Site icon Revoi.in

અમદાવાદમાં નકલી અધિકારી બનીને કાર ભાડે મેળવી છેતરપિંડી કરતો ઠગ પકડાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમ નકલી ચિજ-વસ્તુઓની જેમ હવે નકલી અધિકારીઓ પણ પકડાઈ રહ્યા છે. નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે.  આરોપી મેહુલ શાહ નામનો શખસ શહેરની અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું કહીને કાર ભાડે લઈ છેતરપિંડી આચરતો હતો. જોકે, ભાંડો ફૂટતા સરકારી અધિકારી હોવાનો રોફ જમાવીને ફરી રહેલા મેહુલ શાહની પોલીસે ધરપકડ કરી હતી. મહુલ શાહ નકલી ઓળખકાર્ડ બતાવીને વાકછટાંથી ભલભલાને આંજી દેતો હતો.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  શહેરના પાલડીના ફતેપુરામાં રહેતા પ્રતિક શાહ ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેમની પાસેથી આરોપી મેહુલે સરકારી વિભાગમાં આઈએએસ અધિકારી હોવાનું કહીને ડ્રાઇવર સાથે કાર ભાડે માગી હતી. પ્રતિકે આરોપી મેહુલ શાહને કાર ભાડે આપી હતી. બાદમાં કાર પર સાયરન, સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા પ્રતિકે મેહુલ શાહ પાસે તે માટેનો પરમિશન લેટર માગ્યો હતો. આરોપી મેહુલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું.  દરમિયાન આરોપી મેહુલ શાહે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયાનું કહીને બીજી કાર માગી હતી. ત્યારે પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માગતા આરોપીએ ખોટો લેટર પણ આપ્યો હતો. બાદમાં કાર પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને 90 હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી. આ મામલે  શહેર ક્રાઇમ બ્રાંચને જાણ થતાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી મેહુલ શાહે   ફક્ત કાર ભાડે આપનારને જ નહીં અન્ય લોકોને પણ છેતર્યા હોવાની માહિતી મળી છે. મેહુલ શાહે એક વ્યક્તિને તેના પુત્રને અસારવાની સ્કૂલમાં ક્લાર્ક તરીકે લગાવવાની લાલચ આપીને 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર પણ આપ્યો હતો. આ અંગે ખરાઇ કરતા તે ખોટો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી આવી અન્ય કેટલી અને ક્યાં ક્યાં ઠગાઈ કરી છે તે અંગે પૂછપરછ શરૂ કરી છે. શક્ય છે કે મેહુલ શાહનો ભાંડો ફૂટી જતા ભોગ બનેલા અન્ય લોકો પણ પણ મેહુલ શાહ સામે ફરિયાદ નોંધાવા આવી શકે છે.