અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકોને લીધે અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ધણા માથાભારે વાહનચાલકો ટ્રાફિક પોલીસને પણ ગણકારતા નથી. શહેરના એરપોર્ટ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હતા ત્યારે રોંગ સાઈડમાં આવી રહેલા બોલેરો જીપને રોકતાં તેનો ચાલકે ગુસ્સે થઈને હાથમાં પહેરેલા કડા વડે પોલીસ કર્મચારીને મોઢા પર મુક્કા મારતા ઈજા પહોંચી હતી. આ અંગે બે શખસો સામે ફરિયાદ નોંધાતા પોલીસે બન્નેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે વરસતા વરસાદમાં સીએમ એરપોર્ટ તરફથી જવાના હોવાથી પોલીસ બંદોબસ્તમાં હતી. ત્યારે બંધ બોડીની બોલેરો જીપ રોંગ સાઈડમાં આવી રહી હતી. જેને પોલીસે રોકતા પોલીસ કોન્સ્ટેબલને હાથમાં પહેરેલા કડા વડે મોઢા પર મુક્કા માર્યા હતા. આ અંગે કોન્સ્ટેબલે 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યા હતું કે, શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીગર કુમારે ફરિયાદ નોંધાવી હતી. શનિવારે રાત્રે મુખ્યમંત્રી જવાના હોવાથી તે બંદોબસ્તમાં હતા. જેથી પોલીસ ટ્રાફિક નિયમન કરાવી રહ્યા હતા ત્યારે સવા આઠ વાગ્યાની આસપાસ એક સફેદ કલરની બંધ બોડીની બોલેરો જીપ આવી હતી. આ જીપ એરપોર્ટ સર્કલ તરફથી રોંગ સાઈડમાં આવી રહી હતી. જેથી જીપચાલકને ઈશારો કરી ઉભી રાખવાનું કહેતા જીપચાલકે ઉભી રાખી બુમ બરાડા પાડી કહેવા લાગ્યો હતો કે, તું કોણ છે મને રોકવા વાળો’ ત્યારે જીગર કુમારે પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. દરમિયાન બાજુની સીટ પર બેસેલા વ્યક્તિએ પોલીસ કર્મી સાથે ગાળાગાળી કરીને ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ તેના હાથમાં પહેરેલા કડાથી પોલીસકર્મીને મોઢા પર મુક્કો માર્યો હતો. જેના કારણે જમણી આંખના નીચેના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું. આ બનાવ બનતા આસપાસના સ્ટાફના માણસો દોડી આવ્યા હતા. બંને જીપચાલકની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જીપ ચાલકનું નામ ભરત દેસાઈ અને અન્ય વ્યક્તિનું નામ સાગર રબારી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે જીપ પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.