અમદાવાદમાં શંકાશીલ પતિએ રચ્યો ખુની ખેલ, ચાર હત્યા બાદ પાંચમી હત્યા કરે તે પહેલા ઝબ્બે
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં પરિણીતા, તેના બે સંતાનો સહિત ચાર વ્યક્તિઓની હત્યા કરનાર પતિ વિનોદને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ દીકરી-દીકરો અને વડસાસુની હત્યા કરી હતી. એટલું જ નહીં પત્નીના કહેવાતા પ્રેમીની હત્યા કરવા માટે વિનોદ પરત અમદાવાદ આવ્યો હતો જો કે, પાંચમી હત્યા કરે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત હિતી અનુસાર શહેર ઓઢવ પોલીસ વિસ્તારમાં પત્ની, બે બાળકો તથા વડ સાસુનું મર્ડર કરનાર આરોપી વિનોદ ગાયકવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર પરથી ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી વિનોદે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ સામુહિક હત્યા પત્નીના છેલ્લા બે વર્ષથી અનૈતિક સબંધ મુદ્દે કરી હોવાનું સામે આવ્યું હતુ. પરિવારને માર્યા બાદ વિનોદ પત્નીના પ્રેમીને પણ મારવા નીકળ્યો હતો, પરંતુ બાદમાં વિચાર પડતો મૂક્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ એસીપી ડીપી ચૂડાસમાએ જણાવ્યુ કે, વિનોદ ગાયકવાની પત્ની સોનલને આડા સંબંધો હતા. એકવાર તેનો દીકરો માતાને પ્રેમી સાથે જોઈ ગયો હતો. આ વિશે તેણે પિતાને જાણ કરી હતી. ત્યારથી વિનોદે મનોમન પત્નીના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. 26 માર્ચના દિવસે તેણે મર્ડર કરવાનુ નક્કી કર્યુ હતું. પ્લાનિગ મુજબ તેણે દીકરા ગણેશ (ઉંમર 17 વર્ષ) ને શ્રીખંડ લેવા મોકલી દીધો હતો. તો દીકરી પ્રગતિ (ઉમર 15 વર્ષ) ગુટખા લેવા મોકલી હતી. ત્યાર બાદ તેણે પત્નીને આંખે પાટા બાંધી સરપ્રાઈઝ આપવાની વાત કરી હતી, અને તેને છરા મારીને પતાવી હતી. આ બાદ પોતાના બંને સંતાનોનું શુ થશે તે વિચારમાં તેણે દીકરો અને દીકરી ઘરમાં આવ્યા બાદ બંનેને છરાના ઘા મારીને પતાવી દીધા હતા. તો વડ સાસુ સુભદ્રાબેન સાથે પણ તેને પહેલેથી રકઝક ચાલતી હતી. તેથી વડ સાસુને બોલાવીને મારી નાંખી હતી. આ બાદ તેણે સાસુને પણ મારવાનો પ્લાન બનાવીને તેમને ઘરે બોલાવ્યા હતા. તેણે સાસુને છરા માર્યા હતા. તેમનો બચાવ થયો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈને તેની પૂછપરછ આરંભી છે. તેમજ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી.