અમદાવાદઃ સમાજમાં વટ પાડવા માટે ક્યારેક યુવાનો એવું કરી બેસતા હોય છે, કે તેમને જીવ ખોવાનો વારો આવે છે. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી રૂપેશ સોસાયટીમાં દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલા નામના યુવાને તેની સ્ત્રી મિત્ર અને ડ્રાઈવરની હાજરીમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી રોલો પાડવા માટે મજાક મજાકમાં તેનુ ટ્રીગર દબાવી દેતા ગોળી દિગ્વિજયસિંહના માથામાં ઘૂંસી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી રૂપેશ સોસાયટીમાં રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત નામના 36 વર્ષના યુવકે પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વોરથી ફાયરિંગ કર્યું હતું. જેમાંથી ફાયર થયેલી ગોળી દિગ્વિજયસિંહને માથાના ભાગે લાગતા તેનું મોત નીપજયું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક રૂપેશ પાર્ક સોસાયટીમાં પહોંચી હતી અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક દિગવિજયસિંહ જમીન દલાલીનું કામ કરે છે. રૂપેશ પાર્ક સોસાયટીમાં તેના નવનિર્મિત બંગલામાં દિગ્વિજયસિંહ તેના ડ્રાઇવર સત્યદીપ વૈદ્ય અને મહિલા મિત્ર સાથે બેઠા હતા. આ સમયે મજાક-મજાકમાં પોતાની રિવોલ્વરમાં ગોળીઓ ભરી તેણે પોતાના જ લમણા ઉપર રાખી હતી. આ લાયસન્સવાળી રિવોલ્વરમાં ત્રણ કારતૂસ ભરી હતી અને ત્રણ કારતૂસની જગ્યા ખાલી હતી. રિવોલ્વરનું બે વાર ટ્રીગર દબાવ્યું પણ આ બંનેમાં કારતૂસ ન રહેતા કંઈ જ ન થયું પરંતુ, જ્યારે ત્રીજી વાર ટ્રિગર દબાવ્યું ત્યારે રિવોલ્વરમાંથી ભરેલી કારતૂસ છૂટી, ગોળી ફાયર થઈ અને દિગ્વિજયસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું.
સમગ્ર ઘટના બાદ વેજલપુર પોલીસ તેમજ FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક દિગ્વિજયસિંહના ડ્રાઇવરનું નિવેદન નોંધ્યું હતું. જેમાં દિગ્વિજયસિંહ દારૂ પીવાની ટેવવાળા હતા એવો પણ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તેમજ ગત રાત્રીએ જ્યારે બનાવ બન્યો ત્યારે પણ દિગ્વિજયસિંહ નશો કરેલી હાલતમાં હોવાની શક્યતાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. તદુપરાંત આ ઘટનામાં ડ્રાઇવર સત્યદીપ વૈદ્ય કે મહિલા મિત્ર પણ સામેલ છે કે નહી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.