અમદાવાદમાં હોળી-ધૂળેટીમાં રાહદારીઓ ઉપર રંગ નાખનાર સામે થશે કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રંગોત્સવની ઉજવણી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં માર્ગો ઉપરથી પસાર થનારા રાહદારીઓ રંગ નાખનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ હોળી-ધૂળેટીને લઈને પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર માર્ગો ઉપર પસાર થતા રાહદારી અને વાહનો તથા મિલકતો ઉપર રંગ ઉડાડી નહીં શકાય. એટલું જ નહીં રંગ મિશ્રિત પાણી તથા અન્ય પદાર્થો પણ ફેંકી નહીં શકાય. હોળીની પ્રદક્ષિણ કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા માટે પોલીસે સૂચના આપી છે. તેમજ હોળી માટે પૈસા ન ઉઘરાવવા પણ આદેશ અપાયો છે. મુસ્લિમ સમાજનો સબે બારાતનો તહેવાર પણ આવી રહ્યો છે. જેથી કોમી એખાલસ જળવાઈ રહે તે માટે પોલીસે શાંતિ સમિતિની મીટિંગ કરી. હતી. તેમજ તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાશે. આ જાહેરનામું તારીખ 28મીથી અમલમાં આવશે અને તારીખ 29મી માર્ચને રાત્રે 12.00 વાગ્યા સુધી અમરલમાં રહેશે.
હોળી-ધૂળેટીના તહેવારોને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. 12 ડીસીપી, 15 એસીપી, 175થી વધારે પીઆઈ, 5500થી વધારે પોલીસ કર્મચારી, એસઆરપીની 11 કંપની, આરએએફની બે કંપની તથા 3200 હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ ઉપરાંત સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવશે.