Site icon Revoi.in

અમદાવાદમાં પોલીસે રોડ પરથી ગેરકાયદે પાર્કિંગ હટાવ્યા બાદ ફરી એ જ જગ્યાએ વાહનો પાર્ક થઈ ગયા

Social Share

અમદાવાદઃ શહેરમાં ઈસ્કોનબ્રિજ પર અકસ્માતની ઘટના બાદ પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. એટલુ જ નહીં એએમસીના અધિકારીઓને સાથે રાખીને રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરનારા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરંતુ કહેવત છે, ને કે, શેઠની શિખામણ ઝાંપા સુધી એમ પોલીસે ગેરકાયદે પાર્કિંગના સ્થળેથી વાહનો હટાવ્યા બાદ પોલીસ અને એમએમસીના અધિકારીઓ જતાં ફરીવાર એ જ જગ્યાએ પાર્કિંગ થઈ ગયા હતા.

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ઉપર કરાયેલા વાહનોના પાર્કિંગ સામે ડ્રાઈવ શરૂ કરી હતી. જો કે, આ ડ્રાઈવ માત્ર કામગીરી દેખાડવા માટે કરવામાં આવી હોય તેવું જોવા મળ્યું હતું. ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રોડ ઉપર અડચણરૂપ કરવામાં આવેલા વાહનોને લોક કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસને જોઈ અને લોકોએ પોતાના વાહન ફૂટપાથ ઉપર પાર્ક કરી દીધા હતા. વાહનો ફૂટપાથ ઉપર પાર્ક કરવા તે પણ ગેરકાયદેસર છે. ફૂટપાથ ચાલવા માટે છે પરંતુ, લોકોએ વાહનો અહીં પાર્ક કરી દીધા હતા. ડીસીપી બલભદ્રસિંહ વાઘેલાની આગેવાનીમાં ACP અને PSI કક્ષાના અધિકારી ટીમ સાથે નારણપુરા અંકુર ચાર રસ્તાથી લઇ શાસ્ત્રીનગર ચાર રસ્તા થઈ ડમરુ સર્કલ તરફ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી. ટ્રાફિક દરમિયાન અંકુર ચાર રસ્તા પાસે જે પણ રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા, તે ગાડીઓને લોક મારવામાં આવી હતી તેમજ જે રોંગ સાઈડમાં આવતા હતા તે લોકોની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા રોડ ઉપર પાર્ક કરેલા વાહનોની સામે કાર્યવાહી તો કરવામાં આવી હતી પરંતુ, પોલીસની ગાડીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ગાડીઓ નીકળી ગઈ ત્યારબાદ ફરી લોકો એ જ જગ્યાએ વાહનો પાર્ક કરી દીધેલા જોવા મળ્યા હતા. અંકુર ચાર રસ્તા ઉપર જ લોકો ટુ-વ્હીલર પાર્ક કરી અને ચા પીવા અને નાસ્તો કરવા જતાં હતાં. આમ ડ્રાઇવની કોઈ ખાસ અસર નાગરિકો ઉપર પડેલી જોવા મળી નહોતી. લોકો ફરીથી ત્યાં જ વાહનો પાર્ક કરતાં હતાં. રોડ ઉપર જ વાહન પાર્ક થયેલા જોવા મળ્યા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પણ ડ્રાઇવ દરમિયાન કોઈપણ કામગીરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાતું નહોતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને તેમના કર્મચારીઓએ ત્યાંના સ્થાનિક લોકોને જાણ કરી દીધી હોય એમ સવારથી જ શાસ્ત્રીનગર ચાર રસ્તાથી લઇ અને ડમરું સર્કલ સુધી કોઈપણ જગ્યાએ રોડ ઉપર દબાણ જોવા મળ્યું નહોતું. જો કે, સરદાર પટેલ એકતાનગર પાસે આવેલા ચાયવાલાની દુકાનની બાજુમાંથી અંદર જતા રોડ ઉપર જ વાહનો પાર્ક કરેલા જોવા મળ્યા હતા અને બહાર કાઉન્ટરો લગાવેલા હતા.