Site icon Revoi.in

અમદાવાદમાં AMCનું બજેટનું કદ 10 હજાર કરોડનું હશે, શહેરીજનો ઉપર વધારાનો બોજો નહીં નખાય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મનપાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન અમદાવાદ મનપાનું વર્ષ 2021-22ના બજેટનું કદ 10 હજારને આંબી જાય તેવી શકયતા છે. તેમજ બજેટમાં શહેરીજનો ઉપર વધારાનો કોઈ બોજો નાખવામાં આવે તેવી શકયતાઓ ઓછી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે અમદાવાદ મનપાનું અંદાજપત્રને માર્ચ મહિનાની અંતમાં મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યચૂંટણી પંચે અમદાવાદ સહિત 6 કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજવાનો નિર્ણય કર્યો છે. પરિણામે પરંપરા મુજબ ફેબ્રુઆરીમાં મંજૂર થતું અંદાજપત્ર આ વર્ષે માર્ચમાં સરકાર દ્વારા મંજૂરી અપાય તે સ્થિતિનું સર્જન થયું છે. ગત વર્ષની તુલનામાં આ અંદાજપત્રનું કદ 400 કરોડ વધુ હોઇ શકે છે. વર્ષ-2020-21માં બજેટનું કદ 9600 કરોડનું હોવા છતાં થવા યોગ્ય વિકાસકાર્ય કોરોના ગ્રહણના કારણે થઇ શક્યા નથી. અંદાજે 1200 કરોડના વિકાસકાર્ય કોરોનાગ્રહણના પગલે સ્થગિત થયા છે.

સામાન્ય સંજોગોમાં ફેબ્રુઆરી અંત સુધીમાં મંજૂર થતું અમદાવાદ કોર્પો.નું અંદાજપત્ર આ વર્ષે માર્ચમાં યોજાશે. હાલ કોર્પો.માં વહીવટીશાસન હોવાથી કમિશનર 21 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. ત્યારબાદ બજેટને સરકારની મંજૂરી માટે મોકલી અપાશે. સરકારની મંજૂરી મળે ચૂંટણી બાદ શાસનધૂરા સંભાળતું કોર્પોરેશનનું પ્રથમ બોર્ડ બજેટ-2021-22ને આખરી મંજૂરી આપશે. એકંદર આ વર્ષનું બજેટ ચૂંટણીના કારણે વેરામાં ફેરફાર વિહોણું અને નગરજનોના શિરે કોઇપણ પ્રકારના વેરા વધારા વિનાનું હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી તા. 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેની ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસમાં કવાયત ચાલી રહી છે.