અમદાવાદઃ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ગરોળી, વંદા નીકળવાની ઘટના બાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગે સ્વચ્છતા ન જાળવતી રેસ્ટોરન્ટ્સ, હોટલો, અને ખાણી-પીણીનું વેચાણ કરતા લારી-ગલ્લાઓ સામે ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં મ્યુનિના ફુડ વિભાગે શહેરના નિકોલમાં ભાજીપાવ અને જોધપુરમાં ઢાબા એન્ડ પાન પાર્લરનું બટર, તેમજ એલિસબ્રિજમાં એક રેસ્ટોરન્ટમાં ચટણી અને મેઘાણીનગરમાંમા એક કિરાણા સ્ટોરનું સિંગતેલ ખાવાલાયક ન હોવાથી ખાદ્ય વસ્તુઓના નમુના ત્રણ જગ્યાને સીલ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે. છેલ્લા એક અઠવાડિયામાં 23 જૂનથી 29 જૂન સુધીમાં 468 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. બટર-ચીઝના 4, ખાદ્ય તેલ અને નમકીનના 4-4, બેકરી પ્રોડક્ટસના 4, અથાણા અને બેસનના 1-1, મસાલાના 6 અને અન્ય 58 એમ કુલ 82 નમૂના લેવામાં આવ્યા છે. 151 જગ્યાને નોટિસ આપી છે. 368 કિલો અને 375 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નિકાલ કર્યો છે. રૂ. 4.47 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.
શહેરમાં ખાણી-પીણીની ચીજ વસ્તુઓમાં જીવજંતુઓ વગેરે નીકળતું હોવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. એએમસીના ફૂડ વિભાગ દ્વારા હોટલો, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી સ્વચ્છતા છે કે કેમ? તેની તપાસ કરવાની હોય છે, પરંતુ આવી કોઈ તપાસ અને કડક કાર્યવાહી થતી નથી. વિવિધ વોર્ડના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા કોઈપણ હોટલ-રેસ્ટોરન્ટમાં જઈને યોગ્ય તપાસ જ કરવામાં આવતી નથી. જ્યારે નાગરિકો ફરિયાદ કરે અને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થાય ત્યારબાદ ફૂડ વિભાગ કામગીરી કરતી હોય છે. ભાજપના ફૂડ વિભાગના ચેરમેને પણ આ મામલે ધ્યાન આપી અધિકારીને કડક સૂચના આપી નથી.