Site icon Revoi.in

અમદાવાદમાં AMTSના બસ કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા, પાર્કિંગ માટે 1 રૂપિયાનો જ નજીવો ચાર્જ વસુલાય છે

Social Share

અમદાવાદઃ ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મ્યુનિની માલીકીની કિંમતી મિલ્કતો AMTSના બસ કોન્ટ્રાક્ટરોને નજીવા ભાડે પધરાવી રહી છે. AMTSVE બસના કોન્ટ્રાક્ટરોને તેમની બસના પાર્કિંગ માટે માત્ર રૂ. 1 ના નજીવા દરે પાર્કિંગ પ્લોટ્સ પધરાવી દેવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. શહેરમાં જુદા જુદા પાર્કિંગ પ્લોટમાં લોકોના ટુવ્હિલર – ફોર વ્હિલર પાર્ક કરવા માટે રૂ.10થી રૂ.30 સુધી ચાર્જ લેવામાં આવે છે. ત્યારે કોન્ટ્રાક્ટર પાસે પણ પાર્કિંગની યોગ્ય વસૂલાત થાય તેવી માગ મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે કરી હતી..

મ્યુનિ.ના વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, AMTS દ્વારા અલગ અલગ 6 ડેપોમાં કોન્ટ્રાક્ટરની 600 બસ ઉભી રાખવા માટે ડેપોમાં જગ્યા ફાળવવામાં આ‌વી છે. જેમાં 7 ખાનગી કોન્ટ્રાક્ટર અર્હમ ટ્રાન્સપોર્ટ, મારૂતિ ટ્રાન્સપોર્ટ, આદીનાથ બલ્ક કેરિર્યસ, માતોશ્રી, ટેક બસ ઓપરેટર, મારુતિ દાદ અને ચાર્ટડ સ્પીડ ટ્રાન્સપોર્ટને કોન્ટ્રાક્ટ પર બસો ચલાવવા આપી છે. આ કોન્ટ્રાક્ટરોને 150 કરોડથી વધારે રકમ ચૂકવવામાં આવે છે પણ બસ પાર્કિંગ માટે પ્રતિ બસ દીઠ રૂ. 1 ભાડું લેવાય છે. એટલે કે રોજ 600 બસ પાર્ક કરવાના રૂ. 600 અને 12 મહિને ગણીએ તો માત્ર 2.19 લાખ જ વસૂલવામાં આવે છે. AMTS રોજની રૂ. 50 લાખની ખોટ કરે છે ત્યારે આ પાર્કિંગના દર વધારવામાં આવે તો પણ અને આ કોન્ટ્રાક્ટરો પાસેથી પાર્કિંગની વધારે રકમ વસૂલવામાં આવે તો AMTSની ખોટ થોડી ઓછી થઇ શકે છે.

મ્યુનિ. દ્વારા નવી પાર્કિંગ પોલિસી બનાવવામાં આવી છે. જેમાં શહેરમાં જાહેર રસ્તા પર પાર્ક થતાં વાહનો પાસેથી પણ પાર્કિંગ દર વસૂલવાની જોગવાઈ છે. ખાસ કરીને જાહેર રસ્તા પર સોસાયટીની બહાર પાર્ક થતાં વાહનો પાસેથી પણ પાર્કિંગ દર સત્તાવાળાઓને વસૂલવો છે. પરંતુ AMTSના તામના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ આપવામાં આવી રહ્યો હોવાનો વિપક્ષનો આક્ષેપ હતો.