Site icon Revoi.in

અમદાવાદમાં ગઠિયાએ વૃદ્ધાનું ATM કાર્ડ બદલીને રૂ.30000 ઉપાડી લીધા

Social Share

અમદાવાદ: શહેરમાં સિનિયર સિટીઝન સાથે ઠગાઈ અને છેતરપિંડીના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક બનાવમાં વૃદ્ધાની મદદ કરવાને બહાને ATS કાર્ડ બદલીને અજાણ્યા શખ્સે 30000 રૂપિયા ઉપાડી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વૃદ્ધા બીજા દિવસે બેન્કમાં એન્ટ્રી પડાવવા ગયા હતા ત્યારે ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે વૃદ્ધાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ ફરિયાદ મુજબ બહેરામપુરા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય જયાબહેનના પતિ મગનભાઈ પરમાર એસબીઆઈ બેન્કમાં ખાતું ખોલાવ્યું છે. જેનું એટીએમ જયાબહેન યુઝ કરતા હતા. 28 જુલાઈના રોજ જયાબહેન તેમના પતિ સાથે ઘરના કામથી ગોળલીમડા ગયા હતા. દરમિયાન ભુલાભાઈ ચાર રસ્તા નજીક એટીએમમાં પૈસા ઉપાડવા ઉભા હતા, પરંતુ કોઈ કારણોસર પૈસા ઉપડતા ન હતા. આ દરમિયાન ATMમાં અજાણ્યો યુવક આવ્યો હતો અને કહ્યું કે, લાવો પૈસા કાઢી આપું. તેનાથી પણ પૈસા ન ઉપડતા કાર્ડ પરત આપી દીધું હતું. ATMમાંથી પૈસા ન ઉપડતા જયાબહેન એસબીઆઈ બેન્કની મેઈન બ્રાન્ચમાં ગયા હતા. ત્યારે તપાસ કરતા ATM તેમના પતિ ન હતું જ નહીં. તેમના પાસે કોઈ ઉર્મિલાબહેનના નામનું એટીએમ આવી ગયું હતું. તેથી જયાબહેને એટીએમ પડી ગયું હશે તેવું લાગ્યું હતું. જેથી તેઓ નવું એટીએમ કાર્ડ લેવા અને પાસબુકમાં એન્ટ્રી કરાવવા બેન્કમાં ગયા હતા, જ્યાં એન્ટ્રી પડાવતા 28મીના રોજ 29 હજાર અને 29મીના રોજ એક આમ ખાતામાંથી કુલ 30000 રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થતાં તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ખાતામાંથી પૈસા ઉપડી જતાં તેમના એકાઉન્ટમાં 71 હજાર જ વધ્યા હતા. જેથી તેમનું એટીએમ કોઈ અજાણ્યા વ્યક્તિ બદલીને પૈસા ઉપાડી લીધાનો ખ્યાલ આવ્યો હતો. આ મામલે તેઓએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.