Site icon Revoi.in

અમદાવાદ અને વડોદરામાં આજે રવિવારે પણ રોંગ સાઈડ ચલાવતા વાહનચાલકો દંડાયા

Social Share

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવવાને લીધે અકસ્માતના બનાવો બનતા હોય છે. તેથી અમદાવાદ અને વડોદરામાં રોંગ સાઈડ ચલાવાતા વાહનચાલકો સામે છેલ્લા બે દિવસથી ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. 10 દિવસ સુધી ચાલનારી ટ્રાફિક ડ્રાઈવના આજે રવિવારે બીજી દિવસે બન્ને શહેરોમાંથી અનેક વાહનચાલકોને પકડીને તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ઘણા વાહનચાલકોએ પોલીસ સમક્ષ બહાનાબાજી કરી હતી. રાજકીય નેતાઓની ઓળખાણ પણ આપી હતી. પણ પોલીસ કોઈનું યે માની ન હતી. અને કાયદા મુજબ કડક હાથે કામ લીધુ હતું.

અમદાવાદ અને વડોદરામાં શરૂ થયેલી રોંગ સાઈડ ડ્રાઈવનો આજે રવિવારે બીજો દિવસ હતો. પ્રથમ દિવસે અમદાવાદમાં 160 વાહનચાલકો સામે પોલીસ ફરિયાદો નોંધીને વાહનો જપ્ત કરાતા વાહનચાલકોને જામીન મેળવવા માટે પોલીસ સ્ટેશન સુધી લાંબા થવું પડ્યું હતું. જ્યારે વડોદરામાં 13 પોઈન્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રોંગ સાઈડમાં આવતા 146 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ હજુ 30 જૂન સુધી ચાલુ રહેશે.

ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ અને વડોદરામાં  રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો સામે આઈપીસીની કલમ 279 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે. ઈતિહાસમાં પહેલીવાર રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો સામે ગુનો નોંધાઈ રહ્યો છે અને આ વાહનચાલકોને જામીન પણ લેવા દોડધામ કરવી પડે છે. વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અને કાયદાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં રોંગ સાઈડે આવતાં વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવના પ્રથમ દિવસે 160  વાહનચાલકો સામે એફઆઈઆર કરવામાં આવી હતી. પકડાયેલા ગણા વાહનચાલકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ કે વાહનના દસ્તાવેજો પણ સાથે નહતા. આજે રવિવારે પણ સવારથી જ ટ્રાફિક પોલીસની ટીમો ગીચ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ગોઠવાઈ ગઈ હતી. રોંગ સાઈડે આવતા વાહનચાલકો સામે આઈપીસીની કલમ 279 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ટ્રાફિક જેસીપી એન.એન. ચૌધરીના જણાવ્યા અનુસાર રોડ અકસ્માત અટકાવવા સુરક્ષાના ભાગરૂપે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાહન અકસ્માતોમાં સંખ્યાબંધ કિસ્સામાં રોંગ સાઈડે આવતા વાહનો જવાબદાર હોવાથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તેમણે લોકોને સ્વેચ્છાએ નિયમોનું પાલન કરવા અને પોલીસ કાર્યવાહીથી બચવા અપીલ કરી છે.