અમદાવાદઃ નેતાઓ હોય કે પદાધિકારીઓ તમામને નામનો મોહ હોય છે. રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમમાં જ ભાજપના કેટલાક નેતાઓના આમંત્રણ કાર્ડમાં નામ નહીં લખવાના પ્રશ્ને ડખો ઊભો થયો હતો. એવો જ વિવાદ અમદાવાદ શહેર ભાજપના સ્નેહ સંમેલનમાં થયો હતો. અમદાવાદ શહેર ભાજપ દ્વારા રવિવારે સાંજે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે. જેની આમંત્રણ પત્રિકામાં અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર સહિતના સાંસદો અને સિનિયર આગેવાનોના નામની જ બાદબાકી કરાઈ હતી. જેને લઇ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં મેયર તેમજ સિનિયર નેતાઓની કોઈ ગણના ન થતી હોવાની ચર્ચા થતી જણાતી હતી. કેટલાક નેતા અને કાર્યકરોએ ઉચ્ચ નેતાઓનું ધ્યાન દોરતા આખરે મેયર સહિતનાના નામવાળી નવી આમંત્રણ પત્રિકા તાત્કાલિક છાપી દેવાની ફરજ પડી હતી.
મ્યુનિ. કોર્પોરેશનમાં પણ ભાજપના પ્રભારી તેમજ બે નેતાઓ ભેગા મળી અને નિર્ણય લે છે અને મેયર અને ડેપ્યુટી મેયરની અવગણના કરાતી હોવાનો વિવાદ પણ થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો.
આ અગાઉ અનેક વખત ભાજપ સમર્થિત દલિત નેતાઓ તેમજ પદાધિકારીઓના નામ ભૂલી જવાયા હતા. આ ઘટનાને પગલે ભાજપના જ કેટલાક નેતાઓ ચર્ચા કરી રહ્યાં છે કે આપણા જ નેતાઓ વારંવાર આપણી અવગણના કરી રહ્યાં છે. સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના જ સાંસદોના નામ પણ લખવામાં આવતા નથી.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, આમંત્રણ પત્રિકામાં મેયર સહિતના કેટલાક નેતાઓના નામનો વિવાદ ઉભો થતા તાત્કાલિક નવી આમંત્રણ પત્રિકા છપાવી દેવાઈ છે. વિવાદ પહેલાની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અતિથી તરીકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અતિથી વિશેષ તરીકે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર અને રાજયકક્ષાના મંત્રી જગદીશ પંચાલનું જ નામ હતું.
જ્યારે નવી આમંત્રણ પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલનું નામ લખી દેવાયું છે અને અતિથિ તરીકે પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર (કાકા) પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, અમદાવાદ મેયર કિરીટ પરમાર, અમદાવાદ પશ્ચિમ લોકસભા સાંસદ ડો. કિરીટ સોલંકી અને અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ હસમુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું.