Site icon Revoi.in

અમદાવાદમાં બિલ્ડરોએ પોતાની સાઈટ પર ફરજિયાત વૃક્ષો વાવવા પડશે, AMC દ્વારા ચેકિંગ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસાનો માહેલ જામ્યો છે. ત્યારે વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટે વિવિધ સંસ્થાઓ ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શહેરના બિલ્ડરોએ હવે બાંધકામની પરમિશન મેળવતી વખતે જેટલા વૃક્ષો વાવવાના હોય છે, તે વૃક્ષો પૂરતી સંખ્યામાં અને ઊંચાઈના ટ્રી ગાર્ડ સાથે વાવવા પડશે. બિલ્ડરો દ્વારા બાંધકામ સાઈટ ઉપર વૃક્ષો વાવેલા હોય તેના ફોટોગ્રાફ્સ સાથે બીયુ પરમિશન મેળવવાની રહેશે. શહેરમાં 2,000થી વધુ બાંધકામ સાઈટ આવેલી છે, તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતાના 27 જેટલા સુપરવાઇઝરો દ્વારા બિલ્ડરો વૃક્ષોની યોગ્ય રીતે તેની સાચવણી કરે છે કે કેમ? તેની તપાસ કરશે. જો આ વૃક્ષો યોગ્ય રીતે જળવાયા નહીં હોય તો બિલ્ડરો સામે કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં વસતિ અને વિસ્તારમાં વધારા સાથે ક્રોક્રિટના જંગલસમા બિલ્ડિંગો ઊભા થઈ ગયા છે. સાથે શહેરના વિકાસના કાર્યોને લીધે લીલાછમ વૃક્ષો ધડમુળમાંથી કાપવામાં આવી રહ્યા છે. એટલે શહેરમાં ગ્રીન કવર ઘટી રહ્યું છે. એટલે નવી બાંધકામ સાઈટ પર વધુને વધુ વૃક્ષો વાવવા માટે બિલ્ડર્સને એએમસી દ્વારા અપિલ કરવામાં આવી છે.  કેટલાક બિલ્ડરો બિલ્ડિંગના ઉપયોગ (BU)ની પરવાનગી મેળવવા માટે વૃક્ષો વાવી દેતા હોય છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓ તેના આધારે તેઓને પરમિશન આપી દેતા હોય છે. ખરેખર વૃક્ષોની યોગ્ય રીતે જાળવણી થાય છે કે કેમ? અને પરમિશન મેળવ્યા બાદ આ વૃક્ષો ઉગાડવામાં આવેલા છે કે કેમ? તે અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નહોતું. જેને લઇ અને હવે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને એક પરિપત્ર બહાર પાડ્યો છે. હવેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતાના સુપરવાઇઝરો દ્વારા એસ્ટેટ વિભાગ તરફથી બીયુ પરમિશન માટે જે પણ યાદી આપવામાં આવી છે તે બાંધકામ સાઈટોનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. તમામ વોર્ડના સુપરવાઇઝરો દ્વારા આ ચેકિંગ કરવામાં આવશે અને ક્યાંય પણ વૃક્ષોની જાળવણી યોગ્ય નહીં થઈ હોય તો 15 દિવસની અંદર તેઓએ ફરીથી વૃક્ષ ઉગાડવાના રહેશે. ત્યારબાદ પણ જો વૃક્ષો યોગ્ય રીતે નહીં જણાય તો બિલ્ડર સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી બીયુ પરમિશન માટે નિયમ મુજબ જે વૃક્ષો વાવવાના હોય છે તે વૃક્ષો બિલ્ડરો દ્વારા વાવવામાં આવ્યા છે કે કેમ તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવતું જ નહોતું. એસ્ટેટ વિભાગના અધિકારીઓ એક પણ સાઈટ ઉપર જઈ અને તપાસ કરતા નહોતા. જો કે, હવે આ જવાબદારી કમિશનરે બગીચા ખાતાને સોંપી છે. ત્યારે હવે બગીચા ખાતા દ્વારા પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે.

આ અંગેના કમિશનરે પરિપત્રમાં જણાવ્યું છે કે, બિલ્ડરોએ BUની મંજૂરી માંગતી વખતે વૃક્ષો વાવવા અને ટ્રી ગાર્ડ્સ પૂરતી ઊંચાઈએ રાખવાની રહેશે. પુરાવા તરીકે તેના ફોટોગ્રાફ્સ આપવાના રહેશે. બીયુ પરમિશન આપ્યા બાદ ગાર્ડન વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવશે કે, આ વૃક્ષોનો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો છે કે કેમ? બિલ્ડરો દ્વારા જો વૃક્ષોનો યોગ્ય ઉછેર અને પતી ગયા હશે, તો બિલ્ડરને 15 દિવસમાં વૃક્ષોને ફરીથી ઉગાડી અને તેની જાણ કરવા અંગેની નોટિસ આપવામાં આવશે.