અમદાવાદઃ ચોમાસાના વિધિવત આગમનને હવે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે.ત્યારે વાતાવરણમાં એકાએક આવેલા પલટાને લીધે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા પડેલા સામાન્ય માવઠાએ મ્યુનિ.કોર્પોરેશનના પ્રિ-માન્સુન પ્લાનની પોલ ખાલી નાખી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે કન્ટ્રોલરૂમ 1લી જૂનથી કાર્યરત કરવામાં આવશે. આ વખતે 2500 જેટલાં સીસીટીવી કેમેરા દ્વારા શહેરના માર્ગોનું મોનિટરિંગ કરીને રસ્તા પર ભરાયેલા પાણી, રોડ પર ભૂવા પડવા તેમજ ઝાડ પડવા સહિતના બનાવોની નોંધ લઈને ઝડપી મદદ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ માટે ટીમ તૈયાર કરવામાં આવી છે. શહેરના 2500 જેટલાં સીસીટીવીનું મોનિટરીંગ કંટ્રોલ રુમમાંથી કરવામાં આવશે. કંટ્રોલ રૂમ બનીને સજજ થઈ ગયો છે. સીસીટીવીનું લિકિંગ પ્રોસેસ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. કન્ટ્રોલરૂમ કાર્યરત થતાં જ સીસીટીવી કેમેરા દ્વારા શહેરમાં વરસાદ લીધે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. કંટ્રોલરૂમમાં નોંધાતી ઝાડ પડવાની ઘટના, ભૂવા કે ખાડા પડવાની ફરિયાદ ફોરવર્ડ કરી ઝડપથી કાર્યવાહી થાય તેવા પ્રયાસો માટે અધિકારીઓની ટીમ કન્ટ્રોલ રૂમથી મોનિટરીંગ કરશે. વરસાદના કારણે અમદાવાદ શહેરમાં નીચાણવાળા તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા વિકટ બનતી હોય છે. જેના કારણે લોકો હાલાકીમાં મુકાતા હોય છે. હવે સીસીટીવી દ્વારા સ્થળ માર્કિંગ કરીને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.
એએમસીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચામાસા દરમિયાન મ્યુનિ.ના કંટ્રોલ રુમમાં 3 મહિના સુધી અધિકારીઓ અને ઈજનેર વિભાગની ટીમ કાર્યરત રહેશે. આ સિવાય શહેરના 7 ઝોનમાં પણ 18 જેટલા નાના કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવશે. તે સિવાય રાઉન્ડ ક્લોક મોનિટરીંગ માટે 7 કર્મચારીઓની ટીમને કાર્યરત કરવામાં આવશે. આ અંગે મ્યુનિ.ના કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાંઆવી રહ્યો છે. આગામી સમયમાં શહેરમાં વરસાદને લઈને કોઈ જોખમ હશે તો હેલ્પલાઈન પણ શરુ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરમાં 26 મેના રોજ માવઠું પડવાને કારણે અનેક વિસ્તારમાં હોર્ડિગ પડવાની ઘટના બની હતી. જ્યારે શહેરમાં 50થી વધુ જગ્યાઓ ઝાડ પડવાના બનાવો બન્યા હતા. શહેરના ગોમતીપુર, અમરાઈવાડી, રખિયાલ, નવરંગપુરા, થલતેજ નરોડા, નિકોલ, ઓઢવ, શાહીબાગ વિસ્તારમાં ઝાડ પડવાના કોલ અમદાવાદ ફાયર વિભાગને મળ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ ઝાડ પડવાને કારણે ગાડીઓ નીચે દબાઈ ગઈ હતી. અણધર્યા વરસાદે મ્યુનિની પ્રિ-મોન્સુન પ્લાનની નિષ્ફળતા જોવા મળી હતી. (file photo)