અમદાવાદ શહેરમાં ફરીવાર રોડ પર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, ઢોર પકડવામાં AMCની નિષ્ક્રિયતા
અમદાવાદઃ શહેરમાં ફરીવાર રખડતા ઢોરનો ભાસ વધી રહ્યો છે. જાહેર માર્ગો પર ઢોર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. તેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશન દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જોકે ઓગસ્ટ મહિનાના પ્રથમ પખવાડિયામાં માત્ર 200થી વધુ પશુઓ પકડવામાં આવ્યા હતા. વરસાદી વાતાવરણને લીધે માલધારીઓ પાલતું પશુઓને રોડ પર ખૂલ્લા છોડી દેતા હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સી.એન.સી.ડી વિભાગ દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી પકડાયેલા પશુઓને દાણીલીમડા તથા બાકરોલ કેટલપોન્ડ(ઢોરડબ્બા)માં રાખવામાં આવતા હોય છે. બંને કેટલપોન્ડમાં કુલ 2611 જેટલા પશુઓ હાલમાં છે. તાજેતરમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી રોગને લઇ કેટલપોન્ડમાં રહેલા તમામ પશુઓનું વેકસીનેશન કરવામાં આવ્યું હોવાનો મ્યુનિ.એ દાવો કર્યો છે. શહેરમાંથી પકડાતા, રખડતા તથા બિમાર પશુઓનું વેકસીનેશન કર્યા બાદ જ તેમને કેટલપોન્ડમાં રાખવામાં આવે છે. વરસાદ બાદ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધ્યો છે. દરેક રોડ પર ઢોર જોવા મળે છે. ત્યારે ચાલુ ઓગસ્ટ મહિનાના પ્રથમ પખવાડિયામાં માત્ર 204 જ ઢોર પકડવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, બિમાર પશુઓની સારવાર માટે દાણીલીમડા તથા બાકરોલ કેટલપોન્ડ (ઢોરડબ્બા) ખાતે પશુ સારવાર માટે વેટરનરી ડોકટર તથા પશુ સારવારની દવા, સાધન સામગ્રી પૂરતી ઉપલબ્ધ કરાવામાં આવી છે. સરકારની લમ્પી સ્કીન ડીસીઝ (LSD)ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઢોરડબ્બામાં લમ્પી સ્કીન ડીસીઝ(LSD)ના કારણે કોઇ પશુનું મરણ થયું નથી. વધુમાં તકેદારીના ભાગરૂપે રાજ્યસરકારના પશુપાલન ખાતા, જિલ્લા પંચાયત, અમદાવાદ તથા કામધેનુ યુનિવર્સિટીના પશુનિષ્ણાતો સાથે કોર્પોરેશન સતત સંપર્કમાં રહી કામગીરી કરી રહી છે.