Site icon Revoi.in

અમદાવાદમાં ગુજરાત કોલેજ અને L D એન્જિનિયરિંગ કોલેજમાં થશે મતગણતરી, 1200 જવાનો તૈનાત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતી કાલે સવારે 8 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થશે. અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલ ડી એન્જિંનિયરિંગ કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. બન્ને મત ગણતરીના કેન્દ્રો પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને એસઆરપી, બીએસએફ અને પોલીસના 1200 જવાનો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. પરિણામને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં બે કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવશે. ગુજરાત કોલેજ અને LD એન્જિનીયરિંગ કોલેજ ખાતે થશે મત ગણતરી કરવામાં આવશે. બંને સેન્ટર પર થ્રી લેયર સુરક્ષા ગોઠવાઈ ગઈ છે.

અમદાવાદના સેકટર-1ના અધિક પોલીસ કમિશનર નીરજકુમાર બડગુજરે જણાવ્યું કે, બંને સેન્ટર પર 1-1 ડીસીપી, એસીપી, પીઆઈ, પોલીસ કર્મચારીઓ મળીને 1200 કર્મચારી તહેનાત રહેશે. બંને સેન્ટરની બહારના રોડથી સેન્ટરના ગેટ સુધી પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. ત્યાર બાદ ગેટની અંદર એસઆરપી જવાનો રહેશે જ્યારે મતગણતરી જે રૂમોમાં થશે તેમાં અંદર અને બહાર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં બીએસએફની ટીમો તહેનાત રહેશે. કેન્દ્રથી 100 મીટરની અંદર પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જે વ્યક્તિ પાસે અંદર પ્રવેશવા માટેનો પાસ કે મંજૂરી હશે તે જ 100 મીટરની અંદર પ્રવેશી શકશે.

ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થવાની હોવાથી ઇન્ડરરેસિડેન્સીથી ગુજરાત કોલેજ થઈ કવિ નાથાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. સોમવારે રાતે 12 વાગ્યાથી મંગળવારે રાતે 12 વાગ્યા સુધી આ રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે.