અમદાવાદ : કોરોનાના કપરા કાળમાં ઘણા તબીબોએ દર્દીઓની રાત-દિવસ ઉમદા સેવા કરી હતી જ્યારે ગામડાંમાં કેટલાક ડીગ્રી વિનાના બની બેઠેલા તબીબોએ દર્દીઓની લાચારીનો પુરતો લાભ ઉટાવ્યો હતો. લોકોની જીંદગી સાથે રમત કરતા બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો હતો. માત્ર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જ ચાલુ વર્ષે 15 જેટલા બનાવટી ડોકટરો ઝડપાયા હતા. કોરોના કાળમાં બનાવટી દવાઓ, ઇન્જેક્શન સહિતના અનેક કૌભાંડો સામે આવ્યા છે.
લોકો માનવતા ભૂલીને નિર્દોષ લોકોની જિંદગી સાથે રમત કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવા સંજોગોમાં બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો હતો. રાજ્યમાં બનાવટી ડોકટરોએ દવાખાના ખોલી દીધા હોવાનું સામે આવતા રાજ્ય ના પોલીસવડા એ ખાસ ડ્રાઈવ રાખીને આવા ડોકટરો સામે કાર્યવાહી કરવા માટે ના આદેશ કર્યા હતા. જેમાં ચાલુ વર્ષે માત્ર અમદાવાદ ગ્રામ્ય માંથી 15 બનાવટી ડોકટરો મળી આવ્યા હતા.
ખાસ ડ્રાઈવ અંતર્ગત ગ્રામ્ય પોલીસે અલગ અલગ વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોકટરોને ત્યાં તપાસ કરી હતી. જેમાં 250 જેટલા ડોકટરોની તપાસમાં 15 બનાવટી ડોકટરો મળી આવ્યા હતા. જેમણે 10 પાસ કે 12 પાસ સુધીનો અભ્યાસ કરી ખાનગી હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર કે વોર્ડ બોય તરીકે કામ કરીને ક્લિનિક ખોલી નાખ્યાં હતાં. પોલીસે આ તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ તમામ ડોકટરો પાસે ડિગ્રી ના હોવા છતાં ક્લિનિક શરૂ કરીને લોકો ની મહામૂલી જિંદગી સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરી સારવાર ના નામે રૂપિયા પડાવતા હતા.