અમદાવાદ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનાં 1392 રીલ સાથે 3 વેપારીઓ પકડાયા
અમદાવાદઃ ઉત્તરાયણને હવે માંડ 10 દિવસ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લા એસઓજીએ અસલાલી અને ધોળકામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડી પાડી છે. પોલીસે રૂ.6.96 લાખની કિંમતના ચાઈનીઝ દોરીના 1392 રીલ સાથે 3 વેપારીની ધરપકડ કરી હતી. ત્રણેય વેપારીઓ ચાઈનીઝ દોરી વેચવા માટે લાવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુક્યો છે. છતાં કેટલાક વેપારીઓ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે. ચાઈનીઝ દોરીના કારણે પશુ – પક્ષીના મૃત્યુ નિપજયા હતા. જેની ગંભીરતાથી નોંધ લઈને કોર્ટે ચાઈનીઝ દોરીના ખરીદ, વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમ છતાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે વેપારીની પોલીસે ધરપકડ કરી છે. કાશીન્દ્રામાં રહેતા 2 વેપારી ઉત્તમભાઈ ઠાકોર(ઉ,વ.40 રહે,સફલમ ગ્રીન્સ સોસાયટી, કાશીન્દ્રા) અને ધરમભાઈ ઠાકોર( રહે. વિસલપુર, કાશીન્દ્રા) ચાઈનીઝ દોરી લાવીને વેચી રહ્યા હોવાની બાતમી એસઓજીના પીઆઈ ડી.બી.વાળાને મળી હતી. જેના આધારે તેમણે દરોડો પાડીને બંને વેપારીને ચાઈનીઝ દોરીના 1090 રીલ(કિંમત રૂ.5.45 લાખ) સાથે ઝડપી લીધા હતા. જ્યારે એસઓજીની ટીમે ધોળકા સ્વામિનારાયણ મંદિરની સામે ગાંધીવાડની પોળમાં રહેતા દિપકભાઈ ઉર્ફે સાંભા રમણભાઈ રાણાને ચાઈનીઝ દોરીના 302 રીલ(કિંમત રૂ.1.51 લાખ) સાથે ઝડપી લીધો હતો. જો કે આ ત્રણેય વેપારીઓ ચાઈનીઝ દોરી ક્યાંથી કેટલા પૈસા માં લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.