અમદાવાદમાં વરસાદને લીધે જાહેર રસ્તાઓ પર થયેલી ગંદકી – કચરો ઉપાડવા તંત્રને સુચના આપવી પડી
અમદાવાદઃ શહેરમાં વરસાદ બાદ હજુ ઘણાબધા રસ્તાઓ પર ગંદકી જોવા મળી રહી છે. તો ઘણા વિસ્તારોમાં કચરો પણ ઉપાડવામાં આવતો નથી. તેની રોગચાળો ફેલાવવાની દહેશત છે. આથી તમામા વિસ્તારોમાં ગંદકી દુર કરીને કચરો ઉઠાવી લેવાની એએમસીની હેલ્થ કમિટી દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
શહેરમાં વરસાદ બાદ સફાઈ કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધિશો દ્વારા આપવા છતાં પણ ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે. વરસાદ પહેલા અને પછી પણ સફાઈ થયેલી જોવા મળતી નથી. જેના કારણે રોગચાળો ફેલાવવાની ભીતી રહેલી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં મળેલી બેઠકમાં શહેરમાં સફાઈ કરવાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં યોગ્ય રીતે સફાઈ કરવા માટેની કડક સૂચના અધિકારીઓને આપવામાં આવી છે.
શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે. વરસાદ પહેલા મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશોની બેઠક યોજાઈ હતી, જેમાં વરસાદ બાદ ક્યાંય પણ રોગચાળો ન ફેલાય તેના માટે થઈ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને શહેરમાં સફાઈ કરવાની સૂચના આપી હતી. જો કે, દરેક વિસ્તારમાં ગંદકી અને રોડ ઉપર કચરો જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીની સાથે જે પણ કચરો આવ્યો હતો, તે રોડ ઉપર જ હજી જોવા મળે છે. વિવિધ વિસ્તારમાં સફાઈની ફરિયાદો પણ ઉઠી રહી છે. સામાન્ય દિવસોમાં દરરોજ સવારથી સાંજ સુધી શહેરમાં સફાઈ થતી જોવા મળતી હતી. રોડ ઉપર ક્યાંય પણ કચરો જોવા મળતો ન હતો પરંતુ, આજે દરેક વિસ્તારમાં રોડ ઉપર માટી કચરો અને કાદવ-કિચડ જોવા મળે છે. જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. વિવિધ વિસ્તારોમાં રોગચાળો ના ફેલાય તે માટે સફાઈ કરવા સૂચના આપવામાં આવી છે. જ્યાં પણ મશીનોથી સફાઈ કરવાની જરૂરિયાત પડે તો મશીનોને મદદ લેવા જણાવ્યું છે. મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો વધ્યા છે તેમજ ઝાડા-ઊલટીના કેસો વધ્યા છે ત્યાં પાણીના વધુ સેમ્પલો લેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.