અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા સામે પોલીસ CCTV કેમેરાથી બાજ નજર રાખીને E-મેમો ફટકારાશે
અમદાવાદ: શહેરમાં વાહનોના અકસ્માતો વધતા જાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારાની પણ મોટી સંખ્યા છે. ત્યારે ફરીવાર ટ્રાફિક પોલીસ હવે સીસીટીવી કેમેરા દ્વારા વાહનો પર બાજ નજર રાખસ અને ટ્રાફિક ભંગ કરનારા સામે ઈ-મેમો ત્વરિત ઈસ્યુ કરીને દંડની રકમ વસુલાશે. ટ્રાફિક પોલીસ દ્વારા એક આઈટી કંપની સાથે મળીને ફોરેનની સિસ્ટમ મુજબ ટ્રાફિકનો ભંગ કરનારાને દંડ ફટકારશે. વાહનચાલકો લિમિટ કરતા વધુ સ્પીડે વાહન હંકારશે અથવા હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરેલો નહીં હોય તો ટ્રાફિકના સીસીટીવીમાં પકડાઈ જશે. ત્યારબાદ ઈ-ચલણ પણ ટ્રાફિક પોલીસ ઘરે મોકલી આપશે. 5 કરતા વધુ ઈ-મેમો ભરવાના પેન્ડિંગ હશે તો વાહન ડિટેઈન કરાશે. એટલું જ નહીં હવે વાહનચાલક કોઈપણ ટ્રાફિક નિયમનું ઉલ્લંધન કરશે તો તેને ઈ-મેનો ફટકારાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યભરના મહાનગરોમાં સ્માર્ટ સિટી અંતર્ગત દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા મારફતે ટ્રાફિક પોલીસ સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકોને ઈ-મેમો મોકલીને દંડ વસૂલતી હતી. આ ઉપરાંત અન્ય ટ્રાફિક પોલીસને રોડ કે ચાર રસ્તા પર ઉભુ રહેવું પડે છે. જેના લીધે ટ્રાફિક પોલીસને મોટા પ્રમાણમાં ખર્ચો થાય છે. આ ઉપરાંત કેટલાક પોલીસકર્મીઓ ચાલકો પાસેથી મેમાના નામે દંડના પૈસા પોતાના ખિસ્સામાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખી પોલીસે ભ્રષ્ટાચાર રહિત અને લોકોને હેરાનગતિ ના થાય તે રીતે ટ્રાફિક નિયમન થાય તેવી મૌખિક ટકોર કરી હતી. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક જેસીપી મયંકસિહ ચાવડા અને હાઈપરલિંક ઈન્ફોસિસ્ટમ આઈટી કંપનીના સંચાલક હરનીલ ઓઝા દ્વારા જૂના સીસીટીવી કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરીને ફોરેન સિસ્ટમથી જેમ એક પ્રોજ્ક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ એસજી હાઈવે તેમજ પકવાન ચાર રસ્તાથી તાજ હોટલ સુધીના માર્ગ પર ટૂંક સમયમાં શરૂ કરાશે. જેમાં જો કોઈ ચાલક લિમિટ કરતા વધુ સ્પીડે વાહન હંકારશે, કાર પર ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરેલ ન હોય તેમજ વાહનની નંબર પ્લેટ પર લખાણ હશે તો પણ સીસીટીવી મારફતે ઈ-મેમો ઘરે મોકલી દેવાશે. ઉલ્લેખનીય છે કે, ઓવરસ્પીડને ડિટેક્ટ કરવા આઠ લાખની કિંમતની સ્પીડગન નિષ્ફળ જતા હવે ટ્રાફિક પોલીસ દ્વારા નવો પ્રયોગ કરાયો છે.