અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રમોમાં છૂટછાટ આપી છે. તમામ દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટલો વગેરે સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખોલવાની છૂટ આપવામાં આવી છે, સાથે લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને ફરજિયાત માસ્ક પહેરવા અપિલ કરવામાં આવી છે, ત્યારે હજુ કોરોનાને ગંભીરતાથી ન લઈને ઘણાબધા લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા છે આથી પોલીસે માસ્ક પહેર્યા વિના ફરતા લોકો સામે કાર્યવાહી હાથ ઘરી છે. અમદાવાદમાં માત્ર દસ જ દિવસમાં શહેર પોલીસે 22 હજાર લોકોને માસ્ક વગર પકડ્યા છે.
કોરોના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટો આપીને વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ આ સાથે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ફરી એકવાર લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યાં છે. જેનાં કારણે શહેર પોલીસ કડક થઈને માસ્ક વગર ફરતા લોકો પાસે દંડની કાર્યવાહી કરી રહ્યાં છે. જેમાં માત્ર દસ દિવસમાં જ પોલીસે માસ્ક વગર બહાર નીકળતા 22 હજાર લોકોને દંડ ફટકાર્યો છે. બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિનામાં માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો એપ્રિલમાં 52,311 લોકો પાસેથી 5,23,11,000નો દંડ અને મે મહિનામાં 56,725 લોકો પાસેથી 5,67,25,000 દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે હાલ ચાલુ મહિને વસૂલવામાં આવેલ દંડની રકમ પ્રમાણમાં ખુબ જ વધારે જોવા મળી રહી છે. એટલું જ નહીં કોરોના સમયમાં માસ્ક વગરનાં લાખો લોકો પાસેથી પોલીસે અત્યાર સુધીમા 49 કરોડ રૂપિયાનો જંગી દંડ વસૂલ્યો છે. છતાં પણ માસ્ક પહેરવા બાબતે લોકો બેદરકાર જોવા હજી મળી રહ્યાં છે. જેથી જણીતા ડૉક્ટર કહી રહ્યાં છે કે જો આ રીતે માસ્ક વગર લોકો ફરશે તો ત્રીજી વેવ આવી શકે છે. જે ખૂબ ખતરનાક બની શકે છે. હાલ માસ્ક જ કોરોનાથી બચાવવા માટેનો ઉપાય છે.