અમદાવાદઃ શહેરમાં 25 લાખની નકલી નોટ્સ સાથે ચાર યુવાનોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. ચાર યુવકોએ એક મહિનામાં 25 લાખની નકલી નોટ શહેરના દસ્તાન સર્કલ પાસે ભાડે મકાન રાખીને અદ્યત્તન પ્રિન્ટરની મદદથી છાપી હતી. જો કે, આ નકલી નોટ બજારમાં આવે તે પહેલાં જ પોલીસે ગ્રાહક બનીને ચારેય યુવાનોને ઝડપી લીધી હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઈન્ચાર્જ ઝોન 2 ડીસીપી સફિન હસનના LCB સ્કોડને બાતમી મળી હતી.કે, 4 યુવકો નકલી નોટ બનાવીને 50 ટકામાં અસલી નોટના બદલામાં આપે છે. જેથી પોલીસે જ આરોપીઓને પકડવા ટ્રેપ ગોઠવી હતી. પોલીસ દ્વારા જ નકલી નોટ ખરીદવાનો ગ્રાહક તરીકે ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે શૈલેષ ક્રિશ્ચન નામનો યુવક ઇકો ગાડીમાં નકલી નોટ લઈને આવ્યો હતો. પોલીસે ગ્રાહક બનીને નોટ સાથે શૈલેષની ધરપકડ કરી હતી. શૈલેષ પાસેની બેગમાંથી 500ના દરની 10લાખ રૂપિયાની નકલી નોટ મળી આવી હતી. શૈલેષની પૂછપરછ કરતા બનાવટી નોટ બનાવવામાં સંકળાયેલા તેના મિત્રોના નામ મળ્યા હતા. આથી પોલીસે દસ્તાન પાસેના મકાનમાં રેડ પાડીને પરાગ ઉર્ફે પકો વાણીયા, જગદીશ પટેલ અને બિગ્નેશ પટેલની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી 500 રૂપિયાના દરની વધુ 15 લાખની અને 200 રૂપિયાના દરની 98,800 રૂપિયાની નકલી નોટ મળી આવી હતી. આમ પોલીસના હાથે વધુ 15,98 લાખની નકલી નોટ લાગી હતી. પોલીસે કુલ 25.98 લાખની નકલી નોટ સાથે ચારેય આરોપીની ધરપકડ કરી હતી. ચારેય વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી પરાગ ઉર્ફે પકો નકલી નોટ બનાવતો હતો. અગાઉ પણ પરાગ SOGમાં નકલી નોટના ગુનામાં પકડાયેલો છે. આરોપી શૈલેષ ક્રિશ્ચને પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને ડ્રાઇવિંગનું કામ કરતો હતો. જગદીશ પટેલે બારમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને નરોડા ઇડલીની લારી ચલાવે છે. બિગ્નેશએ બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે અને નોકરી ન મળતા તે બેકાર છે. આરોપીઓએ નકલી નોટ છાપવા દસ્તાન સર્કલ પાસે મકાન ભાડે રાખ્યું હતું. છેલ્લા 1 મહિનાથી નોટ છપાતા હતા. આરોપીઓએ એક બંડલ અડધી કિંમતમાં વેચવાનું નક્કી કર્યું હતું. પોલીસે નોટ છાપવાનું લેપટોપ, કલર પ્રિન્ટર, કાગળ કટર, કોરા કાગળ કબ્જે કર્યા છે. આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.