અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં તેજીને લીધે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં સોનાના ભાવે રેકોર્ડ કર્યો છે. હાજર સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 73500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચી છે. તેમજ ચાંદી રૂ. 81000 પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર રહી હતી. સોનાના ભાવમાં વધારો થતાં લોકોમાં સોનાની ખરીદી ઘટી છે. શહેરના જ્વેલર્સમાં સોનાના દાગીનાની ઘરાકી જોવા મળતી નથી.
બજારના નિષ્ણાતોના કહેવા મુજબ અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 73500એ પહોંચ્યો છે. વાયદા બજારમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ. 70,999ના ભાવે ખૂલી ઉપરમાં રેકોર્ડ રૂ. 71,080ની ટોચે અને નીચામાં રૂ. 70,750ના મથાળે અથડાઈને રૂ. 349 વધી અંતે રૂ. 70,985ની કિંમતે બંધ રહ્યુ હતું. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ. 81,595ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. 82,064 અને નીચામાં રૂ. 81,557ના મથાળે અથડાઈ, રૂ. 992 વધી રૂ. 81,855 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. વૈશ્વિક સોનું પણ રેકોર્ડ 2353.98 ડોલર પ્રતિ ઔંસની નવી ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ 2329.56 ડોલર આસપાસ ક્વોટ થઈ રહ્યું હતું. સોના-ચાંદીની કિંમતોમાં તેજી પાછળનું કારણ સેન્ટ્રલ બેન્કો દ્વારા મોટાપાયે લેવાલી છે. સેન્ટ્રલ બેન્કો જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ તેમજ ડોલરની સ્થિતિને ધ્યાનમાં રાખતાં ખરીદી વધારી છે. ચીન પણ મોટાપાયે સેફ હેવન સોના-ચાંદીની ખરીદી કરી રહ્યું છે. નિષ્ણાતો પણ ચાંદી આગામી સમયમાં રૂ. 85 હજાર પ્રતિ કિગ્રા અને સોનું રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ થવાની આગાહી કરી રહ્યા છે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ એપ્રિલ વાયદો રૂ. 800.65ના ભાવે ખૂલી, રૂ. 14.10 વધી રૂ. 815.50 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 1.10 વધી રૂ. 225.05 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 0.85 વધી રૂ. 187ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 2.95 વધી રૂ. 236ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ. 1.05 વધી રૂ. 225.10 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 0.65 વધી રૂ. 187.35 જસત-મિની એપ્રિલ વાયદો રૂ. 2.90 વધી રૂ. 235.50 બોલાઈ રહ્યો હતો.