અમદાવાદઃ કાર, લકઝરી બસ કે ફોરવ્હીલ વાહનોના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવી શકાતી નથી. કાચ પર પારદર્શક રીતે જોઈ શકાય તેવી ફિલ્મ જ લગાવી શકાય છે. આમ છતાંયે ધણીબધી કારમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવે છે. કારના કાચ ઉપર ડાર્ક-કાળી ફિલ્મ લગાવીને ફરતા નબીરાઓ ચાલુ ગાડીમાં જ દારૂની મહેફિલ, ડ્રગ્સનો નશો કરતા હોય છે. જ્યારે જુગારીઓ ચાલુ ગાડીમાં ક્રિકેટ સટ્ટો રમે છે અને કોલ સેન્ટર પણ ચલાવે છે. તેમજ ડાર્ક ફિલ્મ લગાવીને નબીરાઓ સ્ટંટ-રેસ કરે છે. જો કે, પોલીસ આવા વાહન ચાલકો સામે કેસ તો કરે જ છે, પરંતુ ડાર્ક ફિલ્મનું દૂષણ જડમૂડમાંથી નાબૂદ કરવા પોલીસ હવે ડાર્ક ફિલ્મનું વેચાણ કરતા અને લગાવી આપવા વેપારીઓ સામે કેસ કરશે. અમદાવાદના ઓટો એસેસરિઝ ડિલર્સ બેરોકટોક કાર પર બ્લેક ફિલ્મો લગાવી આપે છે. હવે આવા ડિલર્સ સામે પણ પગલાં ભરવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તથ્ય કેસ પછી હાલમાં રોજ રાત્રે પોલીસ 10થી 2 વાગ્યા સુધી નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરી રહી છે. વાહન ચેકિંગ દરમિયાન નવી નક્કોર કારના કાચ પર પણ બ્લેક ફિલ્મ લગાવેલી જોવા મળી રહી છે. ઉપરાંત દર 100 માંથી 50 થી 60 ગાડીઓના કાચ ઉપર ડાર્ક ફિલ્મ લગાવવામાં આવેલી હોય છે. વધુ પડતી ડાર્ક ફિલ્મને કારણે કારમાં કોણ બેઠલું તે જોવા મળતું નથી. પોલીસ દ્વારા સ્થળ પર જ કારના કાચ પરથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવે છે. છતાંયે ઘણા નબીરાઓ ફરીવાર બ્લેક ફિલ્મ લગાવી દેતા હોય છે. કારના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવવા ઉપર પ્રતિબંધ હોવા છતાં એસેસરીઝનો ધંધો કરતા વેપારીઓ ખુલ્લેઆમ ડાર્ક ફિલ્મ વેચે છે અને કાર સહિત ફોરવ્હીલના માલિકો તે લગાવે પણ છે. જેથી હવે કારના પરથી બ્લેક ફિલ્મનું દૂષણ કાયમ માટે દૂર કરવા માટે શહેર પોલીસ ડાર્ક ફિલ્મ વેચતા અને લગાવી આપવા વેપારીઓ ઉપર જ કેસ કરવાનું શરૂ કરશે. ટ્રાફિક વિભાગના ડીસીપીએ એસેસરીઝ ડિલર્સ, ડાર્ક ફિલ્મ લગાવી આપનારા વેપારીઓની યાદી બનાવવા સૂચના અપાઈ છે. આગામી 2થી 3 દિવસમાં આવા ડિલર્સ સામે કેસ કરી ધરપકડ કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસના સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં ડાર્ક ફિલ્મ લગાવેલા કાચ વાળી કાર કે કોઈપણ વાહન પોલીસ પકડે તો પહેલા તો પોલીસની હાજરીમાં જ ફિલ્મ કાઢી દેવાય છે. તેમજ ગાડી માલિક પાસેથી રૂ.500 થી 1000 સુધીનો દંડ વસૂલ કરવામાં આવે છે. ફિલ્મ ઉતરાવી લેવાની અને દંડ વસૂલ કરવાની પ્રક્રિયા આગામી દિવસોમાં ચાલુ રહેશે.(FILE PHOTO)