Site icon Revoi.in

અમદાવાદમાં BU પરમિશન બાદ બાંધકામમાં ફેરફાર કરાયો હશે તો બિલ્ડિંગને સીલ કરાશેઃ AMC

Social Share

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ સહિત તમામ મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશન એલર્ટ બની છે. ફાયર સિસ્ટમથી લઈને બાંધકામોમાં અનિયમિતતા સામે આકરા પગલા ભરવાના નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરની સુચના બાદ એસ્ટેટ વિભાગે એસઓપી બહાર પાડી છે. જેમાં બિલ્ડિંગના બીયુ પરમિશન બાદ કોઈ વધારાનું બાંધકામ કરાયું હશે તો તે બિલ્ડિંગને સીલ કરવામાં આવશે. તેમજ ઈમ્પેક્ટ ફી હેઠળ મંજુર ન થયેલા બાંધકામોને પણ તોડી પાડવાની સુચના આપવામાં આવી છે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના ગેમ ઝોનમાં કરાયેલી તપાસમાં અનેક ગેરરીતિ પકડાયા બાદ મ્યુનિ. કમિશનરે તમામ વિભાગોને કડક સુચના આપી છે. મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા બહાર પાડેલી એસઓપી મુજબ બીયુ પરમિશન પછી બાંધકામમાં ફેરફાર કરનારા ગેમિંગ ઝોન સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા સ્થળ કે બિલ્ડિંગમાં પણ બીયુ પરમિશન પછી ફેરફાર કરાયો હોય તો તેને સીલ કરવામાં આવશે. મ્યુનિ,કમિશનરે ઈમ્પેક્ટ ફી હેઠળ મંજૂર નહીં થયેલા બાંધકામ તોડી પાડવા સૂચના આપી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ગેરકાયદે બાંધકામને નિયંત્રણમાં લેવા કરાયેલી એસઓપી મુજબ જે બાંધકામ પાસે બીયુ પરમિશન નથી તેણે 14 દિવસમાં મેળવી લેવાની રહેશે નહીં તો સીલ કરાશે. જે એકમોએ ભૂતકાળમાં બીયુ પરમિશન મેળવી હોય તેમની દર 6 મહિને તપાસ કરવાની સૂચના અપાઈ છે. લોકો ભેગા થતા હોય તેવા સ્થળે એન્ટ્રી અને એક્ઝિટ તેમજ એસ્કેપ રૂટ દર્શાવાયા છે કે નહીં તેની ચકાસણી થશે અને નિયત ફોર્મેટમાં અહેવાલ બનાવવાનો રહેશે. એસઓપી મુજબ ગેમિંગ ઝોન ઉપરાંત સ્કૂલો, ક્લાસીસ, મલ્ટિપ્લેક્સ, કોમ્યુનિટી હોલ, મોટા શોપિંગ મોલ સહિતના સ્થળોએ ફાયર વિભાગ તેની એનઓસી છે કે નહીં અને ફાયર સાધનો છે કે નહીં તેની ચકાસણી કરશે. તેમજ કેટલા બિલ્ડિંગ પાસે બીયુ છે તેનો રિપોર્ટ 3 મહિનામાં તૈયાર કરાશે

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.એ બહાર પાડેલી એસઓપી અનુસાર પબ્લિક ગેધરિંગના સ્થળે એટલે કે જે સ્થળોએ વધુ સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેની પાસે બીયુ પરમિશન તેમજ ફાયર એનઓસી અને ફાયરના યોગ્ય સાધનો છે કે નહીં તેની તપાસ કરી અહેવાલ તપાસ કરવા સૂચના આપી છે. 1 જૂન સુધીમાં કેટલા આવા સ્થળ પાસે બીયુ છે તેની વિગતો મગાઈ છે.