અમદાવાદ: ગુજરાતમાં વધતા જતા તાપમાન અને અસહ્ય ગરમીને કારણે ફુલોના ઉત્પાદનમાં ઘટાડો થતાં અમદાવાદના જમાલપુર માર્કેટમાં પણ ફુલોની આવક ઘટતાં ભાવમાં વધારો થયો છે. ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં 5 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. જેમાં ગુલાબ, ટગર, હજારીગલ, એન્થુરિયમ, કાર્નેશન, મેરીગોલ્ડ, ઓર્કિડ, ડેઝી, પારસ, મોગરો, ઝેનિયા, સેવંતી વગેરે ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે. જોકે ફુલોની ઘરાકી પણ હાલ જોવા મળતી નથી.
ગુજરાતના સૌથી મોટા ગણાતા અને અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં 5 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. જેમાં ગુલાબ, ટગર, હજારીગલ, એન્થુરિયમ, કાર્નેશન, મેરીગોલ્ડ, ઓર્કિડ, ડેઝી, પારસ, મોગરો, ઝેનિયા, સેવંતી વગેરે ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે. ફૂલોનો ભાવ ફૂલોની માગ અને જથ્થા આધારે નક્કી કરવામાં આવે છે. આ હોલસેલ ફૂલ બજારમાં સામાન્ય દિવસોમાં ફૂલોની આવક દૈનિક 10 થી 15 ક્વિન્ટલ સુધીની થતી હોય છે. જેમાં આ વખતે ફૂલોની આવકમાં ઘટાડો થતા ફૂલોના ભાવમાં 5 થી 100 રૂપિયાનો વધારો નોંધાયો છે. જેના લીધે ફૂલોની મહેક મોંઘી બની ગઈ છે
અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ફુલોના ભાવની વાત કરીએ તો ગુલાબ 300 રૂપિયા પ્રતિ કિલો, છૂટા ગુલાબ 30 થી 90 રૂપિયા પ્રતિ કિલો, ટગર 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો, ડમરો 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો, હજારીગલ 80 થી 90 રૂપિયા પ્રતિ કિલો, એન્થુરિયમ 150 રૂપિયા પ્રતિ કિલો, કાર્નેશન 200 રૂપિયા પ્રતિ કિલો અને જાસ્મીન 200 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. આ ઉપરાંત મેરીગોલ્ડ 70 રૂપિયા પ્રતિ કિલો, ઓર્કિડ 180 રૂપિયા પ્રતિ કિલો, ડેઝી 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો, પારસ 40 થી 60 રૂપિયા પ્રતિ કિલો, મોગરો 160 થી 200 રૂપિયા પ્રતિ કિલો, જરબેરા 350 રૂપિયા પ્રતિ કિલો, ઝેનિયા 30 થી 35 રૂપિયા પ્રતિ કિલો, સેવંતી 90 થી 100 રૂપિયા પ્રતિ કિલો તેમજ લીલીની એક ઝૂડી 4 થી 6 રૂપિયા અને કમળના એક ફૂલના 15 રૂપિયાનો ભાવ બોલાયો હતો.
ફૂલ બજારના વેપારીઓના કહેવા મુજબ ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે ફૂલો શુષ્ક બની જાય છે. તેમજ ફૂલોની ખેતી કરતી વખતે પણ પાકને પૂરતા પ્રમાણમાં પાણી આપવું પડે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ ચાર્જમાં થતો વધારો-ઘટાડો, આયાત-નિકાસનો ખર્ચ, ક્વોલિટી, પાકને જરૂરી ખાતર-પાણી, હવામાનમાં થતા ફેરફાર વગેરેના કારણે પણ ફૂલોના ભાવમાં વધઘટ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગરમીનો પારો જેમ જેમ વધતો જશે તેમ તેમ ફૂલોના ભાવ પણ વધી શકે છે.