અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ,કોર્પોરેશન દ્વારા નવી પોલીસી બનાવવામાં આવી છે. નવી પોલીસીને 90 દિવસ પૂર્ણ થવાને બે દિવસ બાકી છે. ત્યારે શહેરમાં વસવાટ કરતાં માલધારીઓ દ્વારા લાયસન્સ અને પરમિટ માટે દસ્તાવેજવાળી જગ્યાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલધારી એકતા સમિતિ અને પશુપાલન બચાવો સમિતિના દ્વારા આજે મંગળવારે બપોરે 12 વાગ્યે શહેરના મેયરનો ઘેરાવો કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ ભેગા થઈ અને તેમના પ્રશ્નોની રજૂઆત કરશે. જો શહેરના મેયર તરફથી યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરાશે.
માલધારી એકતા સમિતિ અને પશુપાલન બચાવો સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, મંગળવારે ગુજરાત અને અમદાવાદના પશુપાલકો પોતાના ઘરે અથવા વંરડામાં પશુઓ રાખી શકે તે માટે ટેક્સબિલ કે લાઈટબિલના આધારે પોતાના કબજો ભોગવટાની માલિકી માન્ય રાખીને પશુ રાખવાનું લાયસન્સ આપવું જોઈએ. માલધારીઓએ ભુતકાળમાં રૂ. 200 લેખે પશુ રજીસ્ટ્રેશન કરાવેલું છે, જેની AMCએ પહોચ આપેલી છે. તે રજીસ્ટ્રેશન માન્ય રાખવુ જોઈએ. રખડતા પશુઓને ડબ્બામાં પુરાવા જોઈએ. તેની સાથે માલધારીઓ પણ સહમત છે.
તેમણે ઉમેર્યુ હતું કે, શહેરો વિસ્તારોમાં ગામડાઓ મર્જ કરવાનું બંધ કરવું જોઈએ અથવા પશુપાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. વર્ષ 2021માં અમદાવાદ શહેરમાં રાતોરાત 34 ગામડાઓ ભેળવી દીધા, તે ગામડાઓને શહેરમાંથી મુકત કરો અથવા તેની ગૌચર જમીન ખુલ્લી કરી પશુઓને ચરવા આપવી જોઈએ. ( FILE PHOTO)